પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરતા વિરારના શિક્ષકનું શર્ટ ફાડીને લોકોએ ફટકાર્યો અને સરઘસ કાઢ્યું
વિરારમાં ક્લાસિસમાં વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકત કરનારા પ્રમોદ મૌર્યનાં કપડાં ફાડીને લોકોએ સરઘસ કાઢ્યું હતું
બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરવાની ઘટના બાદ હવે વિરાર-ઈસ્ટના કારગિલનગરમાં આવેલા ઇશાંત કોચિંગ ક્લાસિસમાં સાતમા ધોરણમાં ભણતી ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકત કરી હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક રહેવાસીઓએ ગઈ કાલે ક્લાસિસમાં ઘૂસીને ટીચર પ્રમોદ મૌર્યને બહાર ખેંચી કાઢ્યો હતો. તેની મારપીટ કરવાની સાથે તેનું શર્ટ કાઢીને સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ પછી આ ટીચરને વિરાર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને ક્લાસિસના માલિક પ્રમોદ મૌર્યની ધરપકડ કરી હતી.
વિરાર-ઈસ્ટમાં મનવેલપાડા રોડ પરના કારગિલનગરમાં આવેલા આઇ એક્વીરા અપાર્ટમેન્ટમાં ઇશાંત કોચિંગ કલાસિસ છે. અહીં ઇંગ્લિશ અને હિન્દીમાં બારમા ધોરણ સુધીનું ટ્યુશન આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ પ્રાઇવેટ ક્લાસિસમાં સાતમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની વિદ્યાર્થિની બે દિવસથી કોઈ ને કોઈ કારણ બતાવીને નહોતી જતી. ગઈ કાલે સવારે આ વિદ્યાર્થિનીની મમ્મીએ બે-ત્રણ વખત પૂછતાં તેણે કહ્યું કે ક્લાસિસના સર પ્રમોદ મૌર્ય તેને કૅબિનમાં બોલાવે છે અને કિસ કરવાનું કહે છે એટલું જ નહીં, અશ્લીલ હરકત પણ કરે છે; તેમનાથી ડર લાગે છે એટલે ક્લાસિસ જવાનું મન નથી થતું. આ સાંભળીને વિદ્યાર્થિનીની મમ્મી ચોંકી ઊઠી હતી. તેણે પતિને આ બાબતની જાણ કરતાં તેઓ આસપાસના લોકોને લઈને ક્લાસિસમાં પહોંચ્યા હતા અને ટીચર પ્રમોદ મૌર્યને બહાર ખેંચીને મારપીટ કરવાની સાથે કપડાં ફાડી નાખીને આખા વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું. ક્લાસિસની વિદ્યાર્થિનીઓની પૂછપરછમાં જણાયું હતું કે આ સરે બીજી ત્રણ-ચાર વિદ્યાર્થિનીઓ સાથે પણ અશ્લીલ હરકત કરી છે.
સરઘસ કાઢ્યા બાદ ક્લાસિસના સરને વિરાર પોલીસ-સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો અને તેને કડકમાં કડક સજા કરવાની માગણી કરવામાં આવી હતી. વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય પવારે કહ્યું હતું કે ‘અમે ઇશાંત કોચિંગ ક્લાસિસના માલિક પ્રમોદ મૌર્ય સામે સગીર વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરવાની વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. આ ક્લાસિસમાં ભણતી તમામ વિદ્યાર્થિઓનાં નિવેદન લેવામાં આવ્યા બાદ આરોપી ટીચરે કેટલી વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકત કરી છે એ જાણી શકાશે.’