છેલ્લાં બે વર્ષમાં ભાડે લીધેલા આ ફ્લૅટમાં બંગલાદેશથી ૩૦૦ સગીર યુવતીઓને લાવીને મુંબઈના રેડ લાઇટ એરિયામાં મોકલવામાં આવતી હતી
મ્હાડાની વસાહતનો દેહવ્યાપાર માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે
વિરારની મ્હાડા કૉલોનીમાં એક બિલ્ડિંગના ફ્લૅટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય દેહવ્યાપારનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ બિલ્ડિંગમાં છેલ્લાં બે વર્ષથી આ દેહવ્યાપાર ચાલતો હતો. આરોપીઓએ આ ફ્લૅટ ભાડા પર લઈને ઍગ્રીમેન્ટ પણ કર્યું હતું. જોકે પોલીસનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લીધું નહોતું એટલું જ નહીં, આરોપીઓએ બંગલાદેશી યુવતીઓનાં નકલી આધાર કાર્ડ બનાવ્યાં હોવાનું પણ બહાર આવ્યું છે અને પોલીસ એની તપાસ કરી રહી છે.
વિરાર-વેસ્ટમાં આવેલા બોલિંજ વિસ્તારમાં મ્હાડાની વસાહત છે. અહીંના ડી-૭ બિલ્ડિંગના ફ્લૅટ-નંબર ૨૧૦૪માં આંતરરાષ્ટ્રીય સેક્સ રૅકેટ ચાલી રહ્યું હોવાની માહિતી ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચને મળી હતી. એના આધારે શુક્રવારે રાતે પોલીસની ટીમે દરોડા પાડીને આ ફ્લૅટમાંથી ૧૭ વર્ષની સગીર છોકરીને બચાવી હતી. ત્યારે નાલાસોપારાના પ્રગતિનગરમાંથી અન્ય બે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સેક્સ રૅકેટનો માસ્ટર માઇન્ડ આરોપી અશોક દાસ બંગલાદેશી છે. તે તેના સાથીદારની મદદથી ગેરકાયદેસર રીતે બંગલાદેશથી સગીર છોકરીઓ અને યુવતીઓને વેશ્યાવૃત્તિ માટે મુંબઈ લઈ જતો હતો. બંગલાદેશથી છોકરીઓને લાવ્યા બાદ તેઓ તેમને આ ફ્લૅટમાં રાખતા હતા. ત્યાર બાદ આ યુવતીઓને મુંબઈના ગ્રાન્ટ રોડના રેડ લાઇટ એરિયામાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવી હતી. આ વિશે ઍન્ટિહ્યુમન ટ્રાફિકિંગ વિન્ગના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ ચૌધરીના જણાવ્યા અનુસાર ‘તેના અન્ય સાથીદારોની શોધ ચાલુ છે. છેલ્લાં બે વર્ષમાં તેણે ૩૦૦થી વધુ બંગલાદેશી છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ફસાવી હતી અને વેશ્યાવૃત્તિ માટે મુંબઈ લાવ્યો હતો.’
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સેક્સ રૅકેટ
ઉલ્લેખનીય છે કે મ્હાડાનાં મકાનોનો વેશ્યાવૃત્તિ માટે ઉપયોગ કરાતો હતો. પોલીસ દ્વારા વધુમાં મળેલી માહતી પ્રમાણે ‘બંગલાદેશથી લાવવામાં આવેલી છોકરીઓને મ્હાડાના ઘરમાં રાખવામાં આવતી હતી અને ત્યાંથી તેમને મુંબઈ મોકલવામાં આવતી હતી. આરોપીઓ ડી-૭ બિલ્ડિંગમાં ફ્લૅટ-નંબર ૨૧૦૪નું ઍગ્રીમેન્ટ કરીને એનો ઉપયોગ વેશ્યાવૃત્તિ માટે કરતા હતા. આમ તો મ્હાડાનાં મકાનો ભાડા પર આપતી વખતે મ્હાડાનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લાગે છે. આ સિવાય પોલીસે વેરિફિકેશન કરીને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું હોય છે. આ નિયમોનું પાલન ન થયું હોવાને કારણે મ્હાડાનાં મકાનોનો ઉપયોગ વેશ્યાવૃત્તિ માટે થતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ઍગ્રીમેન્ટ પણ જપ્ત કર્યું છે અને સંબંધિતો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પહેલાં બંગલાદેશથી છોકરીઓને કલકત્તા લાવવામાં આવતી હતી. તેમ જ ત્યાંથી તેમને મુંબઈ લાવવામાં આવતી હતી.’
પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી કે આ યુવતીઓનાં નકલી આધાર કાર્ડ પણ બનાવવામાં આવ્યાં છે. આ કેસ હવે અર્નાલા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ વિશે અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે માહિતી આપી હતી કે ‘અમે આરોપીઓ દ્વારા કરાયેલાં ઍગ્રીમેન્ટ કયા આધારે બનાવવામાં આવ્યાં હતાં એની તપાસ કરી રહ્યા છીએ.’