આ પરિસ્થિતિ છે અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલી એક હાઇરાઇઝ સોસાયટીની. રહેવાસીઓએ બીએમસીને અસંખ્ય ફરિયાદો કરી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવતાં રેસિડન્ટ્સ ત્રાહિમામ
અંધેરીની પ્રથમેશ સોસાયટીએ પોતાના ખર્ચે બનાવેલી સેપ્ટિક ટૅન્ક (તસવીર : નિમેશ દવે)
એક તરફ મુંબઈ સુધરાઈ વરસાદી નાળાંઓ અને નદીઓને ગંદા પાણીથી મુક્ત રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે તો બીજી તરફ નજીકની ઝૂંપડપટ્ટી અને ટાવર્સ દ્વારા ઠાલવવામાં આવતા ગંદા પાણી અંગે કિયા પાર્ક અપાર્ટમેન્ટના રહેવાસીઓની ફરિયાદ સ્વીકારવા તૈયાર નથી. છેલ્લાં સાત વર્ષથી વીરા દેસાઈ રોડ પરના પ્રથમેશ કૉમ્પ્લેક્સના ૧૩ રહેવાસી ટાવર્સમાંના એક કિયા પાર્કના રહેવાસીઓએ લખેલા અનેક પત્રોની અવગણના કરવામાં આવી છે. ‘કે’ વૉર્ડના આ વિસ્તારનાં કેટલાંક રહેવાસી અને ઑફિસ બિલ્ડિંગોમાં ગટરનું જોડાણ જ નથી તો કેટલાંક સેપ્ટિક ટૅન્ક પર નિર્ભર છે અને કેટલાંક ગંદા પાણીનો નિકાલ ખુલ્લી ગટરોમાં જ કરે છે. એમની સામે પણ કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
કિયા પાર્કનાં રહેવાસી વૈશાલી જોષીએ કહ્યું હતું કે ‘કૉર્પોરેટરોને ફરિયાદ કર્યા બાદ ૨૦૧૬થી અમે સુધરાઈને પત્ર લખવાનું શરૂ કર્યું. એમાં અમે નજીકની સોસાયટીમાંથી કઈ રીતે ગટરનું પાણી અમારી સોસાયટીમાં આવે છે એ વિશે કહ્યું હતું. શરૂઆતમાં તેમણે એ વરસાદી પાણી હોવાની વાત કરી, પરંતુ આ ગટર ઉનાળામાં પણ સુકાતી નહોતી.’
ADVERTISEMENT
કિયા પાર્કનાં અન્ય રહેવાસી મોના સૈનીએ કહ્યું હતું કે ‘સુધરાઈ એક તરફ ખુલ્લી ગટરોને કારણે સ્વાસ્થ્યને થતાં જોખમોની વાત કરે છે અને બીજી તરફ નજીકના સોસાયટીમાંથી આવતા ગટરના પાણીની તેમ જ ગંદકીની સમસ્યાને અવગણે છે.’
કોઈ કાર્યવાહી નહીં
અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અમે કિયા પાર્ક વિસ્તારમાં ગટરનું પાણી છોડતા ટાવર તરફ ધ્યાન દોર્યું છે. એમને નોટિસ આપવાની સુધરાઈની ફરજ છે, પરંતુ તેઓ માત્ર એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં પત્રો ફૉર્વર્ડ કરી રહ્યા છે.’
આ વિસ્તારમાં ૨૦૧૭થી ૨૦૨૨ સુધી કૉર્પોરેટર રહેલાં રંજના પાટીલે કહ્યું હતું કે ‘આ ઇમારતો નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે. તેથી ગંદું પાણી સીધું આ સોસાયટીના પરિસરમાં પ્રવેશે છે. શા માટે સુધરાઈ પાણી છોડનારા ટાવર્સ સામે પગલાં લેતી નથી એ સમજાતું નથી.’
આ વિસ્તારમાં ૧૯૯૭થી ૨૦૦૨ સુધી કૉર્પોરેટર રહેલાં રાજુલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આખો વિસ્તાર પહેલાં ખાણ હતો જેમાંથી પથ્થરો કાઢવાનું કામ થયું હતું. ૨૦૦૨ બાદ એનો વિકાસ થયો. રોડ સહિતનો સમગ્ર વિસ્તાર પ્રાઇવેટ બિલ્ડરો પાસે હતો. પરિણામે શરૂઆતનાં વર્ષોમાં ગટરની કોઈ લાઇન નહોતી. એમ છતાં રહેવાસીઓ પ્રૉપર્ટી અને ગટરની લાઇનનો ટૅક્સ આપતા હતા. હિલ પાર્કની ઇમારતો સહિત તમામને ગટરની લાઇન પૂરી પાડવાની સુધરાઈની ફરજ હતી, પરંતુ એમ કરવામાં આવ્યું નહોતું.’
સુધરાઈના કે-વેસ્ટ વૉર્ડના એક અધિકારીએ શરૂઆતમાં કહ્યું હતું કે વરસાદી પાણીના નિકાલનાં નાળાં છે, પરંતુ બાદમાં તેમણે સ્વીકાર્યું કે ગટરનું પાણી નાળામાં વહી રહ્યું છે.
આ મામલે પ્રતિક્રિયાઓ માટે કે-વેસ્ટના અસિસ્ટન્ટ કમિશનર પૃથ્વીરાજ ચવાણને ઘણા ફોન તથા મેસેજ કરવામાં આવ્યા છતાં કોઈ જવાબ મળ્યો નથી.
સેપ્ટિક ટૅન્ક
પ્રથમેશ કૉમ્પ્લેક્સની કમિટીના ચીફ સંજિતા પ્રસાદે કહ્યું હતું કે ‘અમારે ત્યાં ૧૦ સેપ્ટિક ટૅન્ક છે, પણ કેટલીક ઘણી જૂની છે. એમને દર બે મહિને સાફ કરાવવી પડે છે. ગટરનો વેરો ભરવા છતાં અમારે ટૅન્ક સાફ કરાવવાના પૈસા આપવા પડે છે. સુધરાઈએ તાજેતરમાં અમારા રસ્તાઓ નીચે ગટરની લાઇન બનાવી છે તેમ જ કનેક્શન લેવા કહી રહી છે, પરંતુ એનો ચાર્જ બહુ જ વધારે છે. અમારે એ શા માટે ચૂકવવો જોઈએ?’