ઘાટકોપરમાં ગેરકાયદે હોર્ડિંગ એના સ્ટ્રક્ચર સાથે મોત બનીને જમીનદોસ્ત થયું પેટ્રોલ પમ્પ પર
ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જતી ઍમ્બ્યુલન્સ (સમીર માર્કન્ડે)
ગઈ કાલે સાંજે સવાચારથી સાડાચાર વાગ્યા દરમ્યાન જોરદાર વંટોળ સાથે તૂટી પડેલા વરસાદથી બચવા લોકો અને બાઇકર્સ ઘાટકોપરના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના પમ્પના છાપરા નીચે દોડી ગયા હતા. જોકે એ જ સમયે પેટ્રોલ પમ્પની બહાર લગાડવામાં આવેલું ૧૨૦X૧૨૦ સ્ક્વેર ફીટનું હોર્ડિંગ એના સ્ટ્રક્ચર સાથે પેટ્રોલ પમ્પ પર તૂટી પડતાં એની નીચે તેઓ દટાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. આમાંથી અનેક ઈજાગ્રસ્ત લોકો ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ જતાં દુર્ઘટનાના બે કલાક પછી પણ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમને પ્રૉપર મશીનરી ન મળતાં હોર્ડિંગ અને એના સ્ટ્રક્ચર નીચે ‘અમને બહાર કાઢો, અમને બહાર કાઢો’ની બૂમ પાડી રહેલા લોકોને બહાર કાઢી શકી નહોતી. એક અંદાજ પ્રમાણે રાતે સાડાઆઠ વાગ્યા ત્યાં સુધી ૩૦થી ૪૦ લોકો દબાયેલા હતા જેને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ અને પરાગ શાહના કન્સ્ટ્રક્શન-સાઇટના ૪૦ માણસોની ટીમ સતત પ્રયાસ કરી રહી હતી. આ દુર્ઘટનામાં ઘાટકોપર-વેસ્ટના ગણેશચોક ખાતે રહેતા ૨૪ વર્ષના મહારાષ્ટ્રિયન યુવક ભરત રાઠોડ સહિત ચાર જણનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા અન્ય લોકોનાં નામ છે મોહમ્મદ અકરમ, દિનેશ જાયસવાલ અને ચંદ્રમણિ પ્રજાપતિ.