ઘાટકોપરની ગુરુકુળ સેન્ટર ફૉર સ્પેશ્યલ ચિલ્ડ્રનના સાત સ્ટુડન્ટ્સે મેળવ્યા દસમા ધોરણના રિઝલ્ટમાં ડિસ્ટિંક્શન માર્ક્સ
ગુરુકુળ સેન્ટર ફૉર સ્પેશ્યલ ચિલ્ડ્રનના સાત સ્પેશ્યલ વિદ્યાર્થીઓ (ડાબેથી) કશિશ પટેલ, યક્ષ ગાલા, સોનલ પટેલ, ઋષભ કોઠારી, તેજલ કનાવડે, કીર્તન શેટ્ટી અને સૃષ્ટિ દાભોલકર.
મુંબઈ : ઘાટકોપર (વેસ્ટ)માં મુંબઈ પ્રદેશ આર્ય વિદ્યાસભા સંચાલિત ગુરુકુળ સેન્ટર ફૉર સ્પેશ્યલ ચિલ્ડ્રનના સાત સ્પેશ્યલ વિદ્યાર્થીઓએ ગઈ કાલે દસમા ધોરણના રિઝલ્ટમાં ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવતાં સ્કૂલમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચરો અને મૅનેજમેન્ટની સાથે બાળકોનાં માતા-પિતા તેમનાં બાળકોના આ પરિણામથી ઉમંગ અને ઉલ્લાસમાં આવી ગયાં હતાં. સેન્ટરનાં પ્રિન્સિપાલ શકીના ભારમલે કહ્યું હતું કે ‘અમારી સ્કૂલ માટે આ યાદગાર પળ છે. આ પરિણામથી અમારાં બાળકો, બાળકોનાં માતા-પિતા અને આ બાળકોને શિક્ષણ આપી રહેલાં ટીચરો ગૌરવ અનુભવી રહ્યાં છે.’
આ બાળકોમાંથી પેરી રૉબિન સિન્ડ્રૉમની બીમારીથી પીડાતા ૧૯ વર્ષના યક્ષ સુનીલ ગાલાની મમ્મી સ્નેહલ ગાલાએ તેમના બાળકની સફળતાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના દસમા ધોરણના પરિણામમાં યક્ષ ૮૩.૬૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો હતો. યક્ષને માથામાં તાળવું નથી એટલે તેને બોલવામાં પણ તકલીફ થાય છે. હમણાં એક વર્ષથી તેને સ્કિલાયસિસ પણ થઈ ગયો છે. આટલી બધી તકલીફોથી ઝઝૂમી રહ્યો હોવા છતાં સ્કૂલના ટીચરો, મૅનેજમેન્ટ અને થેરપિસ્ટના અથાગ પ્રયત્નોથી યક્ષે દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને તેને ૮૩.૬૦ ટકા માર્ક્સ આવ્યા છે. યક્ષના રાઇટર તરીકે ગુરુકુળ સ્કૂલનો એક વિદ્યાર્થી હતો. તેણે પણ સારીએવી મદદ કરી હતી. સ્કૂલના મૅનેજમેન્ટના સહકાર અને પ્રેમથી યક્ષ પગભર થઈને સમાજમાં સ્વમાનભેર જીવન જીવશે એનો અમને ખૂબ આનંદ છે.’
મારા દીકરા ઋષભને લર્નિંગ ડિસેબિલિટીની તકલીફ હોવા છતાં સેન્ટરના ટીચરો અને મૅનેજમેન્ટના સહકારથી તે દસમા ધોરણમાં ૮૦ ટકા માર્ક્સ સાથે પાસ થયો છે એમ જણાવીને તેની મમ્મી હેતલ રીતેશ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઋષભની તેની બીમારીને લીધે પ્રશ્નોના જવાબ યાદ કરવા, લખવા, એ પણ સ્થિર બેસીને એ અતિ મુશ્કેલીભર્યું કામ હતું. જોકે તેના માર્ક્સ આવ્યા પછી જાણે તે નૉર્મલ વિદ્યાર્થી હોય એવી અમને પ્રતીતિ થઈ છે જેનું બધું શ્રેય સ્કૂલના ટીચરોને જાય છે. તેની આ સફળતા પછી તેનામાં અને અમારામાં તે જીવનમાં આગળ વધી શકશે એવો વિશ્વાસ આવ્યો છે. આ માટે અમે સ્કૂલના મૅનેજમેન્ટ અને ટીચરોના ખૂબ જ આભારી છીએ.’
અમારી સ્કૂલ માટે આ ગૌરવની ક્ષણ છે એમ જણાવતાં ગુરુકુલ સેન્ટર ફૉર સ્પેશ્યલ ચિલ્ડ્રન સ્કૂલનાં પ્રિન્સિપાલ શકીના ભારમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સ્કૂલ ૨૦૧૪થી અનન્ય પુનર્વસન અને શૈક્ષણિક કેન્દ્ર છે જે સ્વાવલંબન હાંસલ કરવાના અંતિમ ઉદ્દેશ સાથે ઉત્તમ ઉપચારાત્મક વ્યવસ્થાપન, શિક્ષણ કાર્યક્રમ, પૂર્વ વ્યાવસાયિક અને વ્યાવસાયિક કૌશલ્ય તાલીમ પ્રદાન કરે છે. અમે ગર્વ અનુભવીએ છીએ કે સળંગ પાંચ વર્ષ અને ઘણાં વધુ વર્ષોના સંઘર્ષ પછી અમારી સ્કૂલના તમામ સાત સ્પેશ્યલ ચિલ્ડ્રનને માર્ચ ૨૦૨૩માં એસએસસીની પરીક્ષા આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ બાળકોએ વિવિધ પડકારોમાં તેમની પ્રતિબદ્ધતા, દૃઢતા અને તફાવત લાવવાની યોગ્યતા સાથે વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે.’
શકીના ભારમલે વધુમાં કહ્યું હતું કે ‘અમારા સેન્ટરમાં હંમેશાં બાળકોને પોતાના પગ પર ઊભા રહેવા, સશક્ત બનાવવા અને સન્માન સાથે જીવન જીવવા સક્ષમ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. આ સાત સ્પેશ્યલ ચિલ્ડ્રનનું પહેલું પગથિયું બાકીના લોકો માટે એક ઉદાહરણરૂપ બનશે. અમારી એક વિદ્યાર્થિની ૨૪ વર્ષની સોનલ પટેલ વોકેશનલ ક્લાસની ઑગસ્ટ ૨૦૨૨માં એસએસસી બૅચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેણે ૭૫.૮૦ ટકા સ્કોર કરીને અમને આશ્ચર્યચકિત કર્યા હતા. એવી જ રીતે અમારી વિદ્યાર્થિની સૃષ્ટિ દાભોલકર વ્હીલચૅર સાથે બંધાયેલી હતી, પરંતુ તે ૮૪.૨૦ ટકા સ્કોર સાથે સર્વોચ્ચ રહી હતી. વાણી અને હલનચલનમાં મુશ્કેલી સાથે બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા યક્ષ ગાલાએ અમને ૮૨.૬૦ ટકા સ્કોર સાથે દંગ કરી દીધા છે. ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર ધરાવતા રુષભ કોઠારીએ વાણીમાં સમસ્યા હોવા છતાં ૮૦.૨૦ ટકા સ્કોર કરીને અમને ગૌરવ અપાવ્યું છે. અત્યંત શરમાળ અને અંતર્મુખી બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા કશિશ પટેલે ૭૯.૨૦ ટકા માર્ક્સ મેળવીને પોતાની તાકાત સાબિત કરી છે તો હળવી બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા કીર્તન શેટ્ટીએ ૭૬.૮૦ ટકા માર્ક્સ મેળવ્યા છે. મહારાષ્ટ્રિયન તેજલ કનાવડેએ ૭૬.૬૦ ટકા મેળવ્યા છે. હું ઇચ્છું છું કે તમામ સ્પેશ્યલ ચાઇલ્ડ ભલે અમર્યાદિત હોય, પરંતુ પ્રભુ તેમને અને તેમનાં સપનાંને ઊંચે ઊડવાની પાંખો આપે.’