ચેમ્બુરના મકાનમાં વહેલી સવારે શૉર્ટ-સર્કિટને લીધે લાગેલી આગમાં એક જ પરિવારના સાત જણનાં મોત
ગ્રાઉન્ડ ફ્લોર પરની બળી ગયેલી દુકાન. (તસવીર : અદિતિ હરળકર)
સિદ્ધાર્થ કૉલોનીમાં લાગેલી આગમાં ગુપ્તા પરિવારના પિતા-પુત્ર જ બચી શક્યા : ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણાની દુકાનમાં કેરોસીન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા
ચેમ્બુર-ઈસ્ટના એ. એન. ગાયકવાડ માર્ગ પર આવેલી સિદ્ધાર્થ કૉલોનીમાં ગઈ કાલે સવારે ૫.૨૦ વાગ્યે ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળતાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે આ આગ વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી બે જણ બચી ગયા હતા.
ADVERTISEMENT
બે માળના મકાનમાં ફાયર-બ્રિગેડ સીડી મારફત ગઈ હતી.
મુંબઈ ફાયર-બ્રિગેડે આપેલી માહિતી પ્રમાણે સિદ્ધાર્થ કૉલોનીના પ્લૉટ નંબર-૧૬માં આવેલી એક કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આ દુકાનની ઉપર જ દુકાનના માલિકનો પરિવાર રહેતો હતો. આ આગમાં ઘરમાં ભરનિદ્રામાં સૂતેલાં ૬૦ વર્ષનાં ગીતાદેવી ગુપ્તા, ૩૯ વર્ષની અનિતા ગુપ્તા, ૩૦ વર્ષનો પ્રેમ ગુપ્તા, ૩૦ વર્ષની મંજુ પ્રેમ ગુપ્તા, ૬ વર્ષની પ્રેસી ગુપ્તા, ૧૦ વર્ષનો નરેન્દ્ર ગુપ્તા, ૧૫ વર્ષની વિધિ ગુપ્તા ગૂંગળામણ થવાથી મૃત્યુ પામ્યાં હતાં. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે અમે ગુપ્તા પરિવારને બચાવવાની પૂરી કોશિશ કરી હતી, પરંતુ આગ એટલી જલદી વિકરાળ બની ગઈ હતી કે અમે તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ફાયર-બ્રિગેડનું કહેવું છે કે ‘સીડી ઘરની અંદર જ હોવાથી પહેલા અને બીજા માળે જે લોકો હતા તેઓ ફસાઈ ગયા હતા. તેઓ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરથી જ બહાર નીકળી શકે એમ હતા અને સંપૂર્ણ ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ફેલાઈ ગઈ હતી.’
ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કરિયાણાની દુકાનમાં કેરોસીનનો સ્ટૉક હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા ફાયર-બ્રિગેડે વ્યક્ત કરી છે. સિનિયર સિટિઝન છેદીરામ ગુપ્તા અને તેમનો પુત્ર ધરમદેવ ગુપ્તા ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફેલાય એ પહેલાં બહાર આવી ગયા હતા. તેમણે બાકીના પરિવારજનોને પણ બહાર આવવા અલર્ટ કર્યા હતા. છેદીરામને વહેલા જાગી જવાની આદત હોવાથી તેઓ નીચે દુકાનમાં આવી ગયા હતા. છેલ્લાં પચાસેક વર્ષથી ગુપ્તા પરિવાર ચેમ્બુરમાં રહે છે. મકાનના પહેલા માળેથી છેદીરામનાં પત્ની, ધરમદેવની પત્ની અને બે બાળકોના મૃતદેહ મળ્યા, જ્યારે બીજા માળેથી પ્રેમ ગુપ્તા, તેની પત્ની અને દીકરીના મૃતદેહ મળ્યા હતા.