દિવાળીના વેકેશન પછી હવે ચૂંટણીની આચારસંહિતાને કારણે રક્તદાન શિબિરો યોજાઈ નથી રહી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર અને મુંબઈમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે શહેર અને ઉપનગરોમાં બ્લડ-કૅમ્પ યોજાતા ન હોવાથી બ્લડ-બૅન્કો લોહીની ગંભીર અછતનો સામનો કરી રહી છે. આ પહેલાં દિવાળી વેકેશન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની એક્ઝામને લીધે બ્લડ-બૅન્કોમાં ઑલરેડી લોહીની અછત ચાલતી હતી એમાં આચારસંહિતા આવવાથી રાજકારણીઓના ફન્ડમાંથી અને તેમના સપોર્ટથી થતા બ્લડ-કૅમ્પ યોજાતા બંધ થઈ ગયા છે જેને કારણે અત્યારે મુખ્યત્વે થૅલેસેમિયાનાં બાળકો અને ડાયાલિસિસના પેશન્ટ્સની રેગ્યુલર સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (SBTC)ના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર મુંબઈમાં દરરોજ ૭૫૦ બ્લડ-બૅગ્સની જરૂરિયાત હોય છે.
આ બાબતે ઘાટકોપરની સમર્પણ બ્લડ બૅન્ક સાથે સંકળાયેલાં દર્શના ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બ્લડ-બૅન્ક સાથે થૅલેસેમિયાનાં ૧૪૦ બાળકો અને ડાયાલિસિસ સેન્ટરના ૭૫ પેશન્ટ્સની સારવાર માટે અમને રોજની ૨૮ બ્લડ-બૅગ જોઈતી હોય છે. એની સામે કૅમ્પ બંધ થઈ જવાથી અમને રોજની ફક્ત ચારેક બૅગ જ મળે છે આથી અમે થૅલેસેમિયાનાં બાળકોને તારીખ આપી શકતાં નથી. એમાં કોઈ શંકા નથી કે અમે અમારા પર્સનલ લેવલ પર અને અમારી પાસેના રેકૉર્ડના આધારે બ્લડ-ડોનર શોધીને થૅલેસેમિયાના બાળક માટે કે ડાયાલિસિસના પેશન્ટ માટે કોઈ પણ રીતે બ્લડ મેળવી લઈએ છીએ, પણ જે કામ અમારું મુંબઈ અને ઉપનગરોમાં બ્લડ ડોનેશન કૅમ્પ થવાથી સરળ થતું હોય એ દિવાળીના તહેવાર અને ત્યાર પછી તરત જ મુંબઈમાં ઇલેક્શન આવવાથી સરળ રીતે થતું નથી. ઇટ ઇઝ રિયલી ટફ ટાઇમ ફૉર અસ ઍન્ડ પેશન્ટ્સ ઑલ્સો. આવા સમયે કોઈ સોસાયટીઓ તેમના લેવલ પર બ્લડ ડોનેશન કૅમ્પ યોજવા તૈયાર થાય તો અમે તેમને કૅમ્પ માટેની બધી વ્યવસ્થા અને સુવિધા પૂરી પાડવા તૈયાર છીએ જેથી અમને અમારી રેગ્યુલર જરૂરિયાત પૂરતું બ્લડ મળી શકે, પરંતુ એમાં પણ અમને જોઈએ એવી સહાય અત્યારે નથી મળતી.’
ADVERTISEMENT
છેલ્લા બે મહિનાથી બ્લડ-કૅમ્પ યોજાતા ન હોવાથી અમારા લેવલ પર મુંબઈનાં રેલવે-સ્ટેશનો પર બ્લડ-કૅમ્પ યોજીને અમારી બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે બનતા પ્રયાસ કરીએ છીએ એમ જણાવતાં જસલોક હૉસ્પિટલની બ્લડ-બૅન્કના સંચાલક સચિન ગોસાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હૉસ્પિટલમાં રિપ્લેસમેન્ટ સિસ્ટમ નથી એથી અમે અત્યારે બ્લડની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. અમને રોજની ૭૦ બૅગ જોઈએ છે, પરંતુ એ પણ અત્યારે મળતી નથી. હમણાં અમે અમારી હૉસ્પિટલમાં ઇનડોર એટલે કે અમારા સ્ટાફનો બ્લડ ડોનેશન કૅમ્પ કર્યો હતો જેમાં અમને ૩૫૦ યુનિટ મળવાથી અત્યાર સુધી અમે ખેંચી શક્યા હતા, પણ સ્ટેશન પર બહુ ઓછા ડોનર મળે છે. અમારી સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ જોડાઈને લોકોને સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પૂરતો પ્રયાસ કરે છે. આમ છતાં અમને અમારી જરૂરિયાત જેટલી બ્લડ-બૅગ મળતી નથી. અમે મોટી અછતનો સામનો કરી રહ્યા છીએ.’
અમારી રોજની ૧૫૦થી ૨૦૦ બ્લડ-બૅગની જરૂરિયાત છે એવું જણાવતાં મહાનગર બ્લડ બૅન્કના સંચાલક ડૉ. હિતેશ પગારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને દિવાળીના વેકેશન અને આચારસંહિતાને લીધે પૂરતું બ્લડ મળતું નથી. અમને અત્યારે રોજનું ફક્ત ૧૦૦ બૅગ જેટલું બ્લડ મળે છે અને એ પણ અમે અમારા રેકૉર્ડ પરથી વૉલન્ટરી બ્લડ ડોનરોને બોલાવીને બ્લડ ડોનેશન કરાવીએ છીએ ત્યારે અમે ૧૦૦ બૅગ મેળવી શકીએ છીએ.’