Manohar Joshi Death: શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થઈ ગયું છે. તેમણે 86 વર્ષની વયે શુક્રવારે વહેલી સવારે 3.02 વાગ્યે હિંદુજા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
મનોહર જોશી (તસવીર સૌજન્ય મિડ-ડે)
Manohar Joshi Passed Away: શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થઈ ગયું છે. તેમણે 86 વર્ષની વયે શુક્રવારે વહેલી સવારે 3.02 વાગ્યે હિંદુજા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેક આવ્યા બાદ તેમને હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના વરિષ્ઠ નેતા મનોહર જોશી (Manohar Joshi Passed Away)નું નિધન થઈ ગયું છે. તેમણે મુંબઈની હિંદુજા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યા બાદ દાખલ કરાવવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT
મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
5 દાયકાની રાજકીય સફરનો આવ્યો અંત
લગભગ 5 દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ હતા. તેમની રાજકીય કારકિર્દી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ, ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર બન્યા.
કોણ હતા મનોહર જોશી?
મનોહર જોશી લોકસભા અધ્યક્ષ પદ પણ સંભાળી ચુક્યા છે. તેઓ શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સૌથી નજીકના સહયોગીઓમાંના એક ગણાતા હતા. ગયા વર્ષે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ અને અન્ય પરિવારના સભ્યો તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
મનોહર જોશી શિવસેનાના પહેલા સીએમ હતા
1955માં જ્યારે શિવસેના પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા.
મનોહર જોશીએ 1970ના દાયકામાં શિવસેના તરફથી વિધાન પરિષદમાં ચૂંટાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ 1976 થી 1977 સુધી મુંબઈના મેયર પણ રહ્યા હતા. મનોહર જોશીએ 1995-1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી, અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને 2002-04 માટે લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
મનોહર જોશી મુંબઈ સેન્ટ્રલ બેઠક પરથી લોકસભા સાંસદ બન્યા. તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે છ વર્ષનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો.

