અનેક વાહનચાલકો રસ્તા પર વેહિકલ પાર્ક કરીને લાઇટિંગ સાથે ફોટો પડાવતા હોવાથી રેક્લેમેશન, કાર્ટર રોડ અને બૅન્ડ-સ્ટૅન્ડમાં થયો જોરદાર ટ્રાફિક-જૅમ
ગઈ કાલે બાંદરાના કાર્ટર રોડ પર વન્ડરલૅન્ડ નામના ક્રિસમસ કાર્નિવલને માણતા લોકો (તસવીર : અનુરાગ અહિરે)
ક્રિસમસનો દિવસ બાંદરામાં ટ્રાફિક-પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. બુધવારે સાંજથી જ બાંદરા-વેસ્ટમાં રેક્લેમેશન, કાર્ટર રોડ અને બૅન્ડ-સ્ટૅન્ડ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ભેગા થયા હતા. એમાં લાઇટિંગ જોવા આવેલા લોકો પાર્કિંગની કોઈ સુવિધા ન હોવાથી પોતાનાં વેહિકલ્સ રસ્તા પર જ પાર્ક કરીને લાઇટિંગ સાથે ફોટો અથવા તો સેલ્ફી લેતા હતા એને લીધે સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.
રેક્લેમેશનની લાઇટિંગ જોવા આવેલા લોકોએ હાઇવે પર જ ડબલ-ટ્રિપલ પાર્કિંગ કરી દેતાં જોરદાર ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો. પોલીસના કહેવા મુજબ ૩૦,૦૦૦ મુંબઈગરાઓ ક્રિસમસ સેલિબ્રેટ કરવા બાંદરામાં હતા.
ADVERTISEMENT
બુધવારની હેરાનગતિ વિશે બાંદરા ટ્રાફિક ડિવિઝનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ શિંદેએ કહ્યું હતું કે ‘ક્રિસમસની સાંજે રેક્લેમેશન અને કાર્ટર રોડ પર જબરદસ્ત ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો. લોકોએ સેલ્ફી લેવા માટે રસ્તા પર પોતાનાં વાહનો પાર્ક કરી દીધાં હતાં. ટ્રાફિક ક્લિયર કરવા માટે અમારે સિટી પોલીસની મદદ લેવી પડી હતી. મધરાત બાદ ટ્રાફિક ઓછો થયો હતો. અમે ૪૭૯ વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. જોકે આ બહુ જ નાનો નંબર છે, કારણ કે અમારા ઑફિસરો અને કૉન્સ્ટેબલો ટ્રાફિક ક્લિયર કરવામાં બિઝી હતા.’