જુહુ કોલીવાડા રોડના એક ભાગનું કૉન્ક્રીટીકરણ કરી એનું લેવલ ઊંચું કરવામાં આવતાં સ્થાનિકોને સતાવી રહ્યો છે પાણી ભરાવાનો ડર
સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો લગભગ એક ફુટ જેટલો ઊંચો થયો છે (તસવીર : નિમેષ દવે)
જુહુ કોલીવાડા રોડના એક હિસ્સાનું કૉન્ક્રીટીકરણ કરી એનું લેવલ ઊંચું કરવામાં આવતાં સંબંધિત વિસ્તારમાં જળભરાવની સમસ્યા નિર્માણ થઈ છે. રહેવાસીઓ તાજેતરમાં જ આ બાબતનો ઉકેલ લાવવા સુધરાઈના એન્જિનિયર્સને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વરસાદનાં ભરાયેલાં પાણીના નિકાલ માટે તેઓ આ વિસ્તારની ગલીઓમાં ક્રૉસ પાઇપ્સ નાખશે, જેથી પાણી ભરાઈ ન જાય.
બીએમસીએ જુહુ કોલીવાડામાં એચ. બી. ગાવડે માર્ગનું કૉન્ક્રીટીકરણ કરવાની શરૂઆત કરી રસ્તાના લેવલને એક ફુટ જેટલું ઊંચું કર્યું છે. અંદરના રસ્તાઓ અને ગલીઓ નીચાણમાં હોવાથી અહીં જળભરાવની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારના રહેવાસી લાર્સન ફર્નાન્ડિસે જણાવ્યાનુસાર તેઓ બીએમસીના એન્જિનિયર્સને મળ્યા હતા, જેમણે કહ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે તેઓ ક્રૉસ પાઇપ નાખશે. ઍક્ટિવિસ્ટ ઝોરુ ભતેનાનું કહેવું છે કે ભવિષ્યમાં પાણીની લાઇન તેમ જ વિવિધ કેબલ ભૂગર્ભમાં બેસાડવા માટે ખોદકામ કરવામાં આવશે, જેને લીધે રસ્તાઓને નુકસાન પહોંચશે.
ADVERTISEMENT
બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘રસ્તાનું કામ જૂના કૉન્ટ્રૅક્ટ હેઠળ થઈ રહ્યું છે, જેમાં ગટર કે ડક્ટ માટે કોઈ જોગવાઈ નથી. અંદાજે ૬૦૦ મીટર રસ્તાનું કૉન્ક્રીટીકરણ કરવામાં આવી રહ્યું છે. અમે ગલીઓમાં ક્રૉસ પાઇપ્સ બેસાડવાનું નક્કી કર્યું છે જે વરસાદનું પાણી રસ્તાની કિનારે આવેલી ગટરમાં ઠાલવશે અને આમ જળભરાવની સમસ્યાનો નિકાલ આવશે.’

