માહિતી અધિકારના કાયદાની કલમ ૧૭એનો ઉપયોગ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને બચાવવામાં કરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું : ૩૭૭ મામલા નોંધાયેલા હોવા છતાં ૧૦૫માં જ તપાસની મંજૂરી અપાઈ
બીએમસી ઓફિસ
મુંબઈ : કોરોનાના સમયમાં મુંબઈ બીએમસીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે દેશની સૌથી શ્રીમંત આ સુધરાઈના અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાંચ લેવાના ૩૭૭ મામલા નોંધાયેલા હોવા છતાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી) કે પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસમાં સુધરાઈ દ્વારા માત્ર ૧૦૫ મામલામાં જ તપાસની મંજૂરી અપાઈ છે, બાકીના લોકોને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું માહિતી અધિકાર દ્વારા મેળવવામાં આવેલી માહિતીમાં જણાઈ આવ્યું છે. માહિતી અધિકાર કાયદાની કલમ ૧૭એનો ઉપયોગ ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓને બચાવવામાં કરાઈ રહ્યો હોવાથી સુધરાઈમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટેના પ્રયાસ પર પાણી ફરી વળતું હોવાનું જણાયું.
મુંબઈ સુધરાઈના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના મામલામાં એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધી કેટલા અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ ચાલી રહી છે, કેટલા પર એફઆઇઆર નોંધવામાં આવ્યો છે અને કેટલા મામલામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે એની બાબતની માહિતી ધ યંગ વ્હીસલ બ્લોઅર્સ ફાઉન્ડેશનના જિતેન્દ્ર ઘાડગેએ સુધરાઈ પાસે આરટીઆઇ ઍક્ટ હેઠળ માગી હતી. સુધરાઈએ આપેલા જવાબમાં જણાઈ આવ્યું છે કે એસીબીને ૩૭૭ મામલામાં તપાસની મંજૂરી નથી અપાઈ, ૧૪૨ મામલામાં એસીબીને એફઆઇઆર નોંધવાની મંજૂરી નથી અપાઈ અને એસીબી દ્વારા ૧૦૫ મામલામાં આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: યોગ કેન્દ્રોને ક્યાંક મોળો, ક્યાંક ઉત્સાહભેર આવકાર
આ જવાબ પરથી જણાઈ આવે છે કે એસીબી દ્વારા કેસ ચલાવવા કે એફઆઇઆર નોંધવા માટેની મંજૂરી આપવામાં સુધરાઈ સહયોગ નથી કરતી. જિતેન્દ્ર ઘાડગેએ આ વિશે જણાવ્યું હતું કે ‘મુંબઈ બીએમસીમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો વર્ષોથી થાય છે, પરંતુ જ્યારે સુધરાઈના અધિકારી અને કર્મચારીઓ સામે એસીબી દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવે છે ત્યારે એ નકારવામાં આવે છે. આમ થતું હોવાથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના પ્રયાસો પર પાણી ફરી વળે છે. પોતાના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસને હવાલે કરવાને બદલે તેમને સતત બચાવવાનો પ્રયાસ કરાય છે. આ આપણી કમનસીબી છે.’
ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદો ૧૯૮૮ની કલમ ૧૭એમાં નવી જોગવાઈ કરવામાં આવી છે, જે સરકારી કર્મચારીઓને વધારાનું સંરક્ષણ આપે છે. એટલે કે હવે લાંચના એક મામલામાં તપાસ કરવા માટે એસીબીએ સુધરાઈના બે અધિકારી પાસેથી મંજૂરી લેવી પડે છે. પહેલી મંજૂરી તપાસ કરવા માટે અને બીજી કોર્ટમાં આરોપનામું દાખલ કરવા માટેની મંજૂરી લેવી પડે છે. મોટા ભાગના કેસમાં તપાસની મંજૂરી અપાય છે, પણ આરોપનામું દાખલ કરવાની વાત આવે છે ત્યારે અધિકારી મંજૂરી નથી આપતા. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘જો પાલિકાના અધિકારી કે કર્મચારીએ ખોટું કામ ન કર્યું હોય તો તેમણે તપાસથી ભાગવાની જરૂર નથી. ચોંકાવનારી વાત એ પણ છે કે કલમ ૧૭એનો ઉપયોગ ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારનો આરોપ થયો હોય એવા અધિકારીને બચાવવાનો પ્રયાસ કરવામાં કરી રહ્યા છે.’