વરસાદને કારણે વર્સોવા બ્રિજની બીજી લેન માટે ઑક્ટોબર સુધી રાહ જોવી પડશે : અમદાવાદ હાઇવે પરના આ બ્રિજનો સુરત-મુંબઈ માર્ગ જૂનમાં શરૂ નહીં થાય એવી શક્યતા લાગે છે
ભાઈંદરમાં વર્સોવા બ્રિજની સુરત-મુંબઈ લેનનું ચાલી રહેલું કામ
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અત્યંત મહત્ત્વના નવા વર્સોવા બ્રિજની એક લેન એટલે કે મુંબઈ-સુરત માર્ચ મહિનાના અંત સુધી ખૂબ રાહ જોવાયા બાદ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેના પરિણામસ્વરૂપ આ લેન પરનો ટ્રાફિક જૅમ જ ગાયબ થઈ ગયો છે. એની બીજી લેન સુરત-મુંબઈ મેના અંત અથવા ૧૫ જૂન સુધીમાં ખુલ્લી મુકાશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે આ આશ્વાસન પર વરસાદનું પાણી ફેરવાઈ જાય એવું લાગે છે, કારણ કે વરસાદ શરૂ થવાની સાથે જ આ કામની ગતિ ઓછી થઈ જવાની હોવાથી બ્રિજની આ મહત્ત્વની લેન છેક ઑક્ટોબર સુધી લંબાય એવી શક્યતા ઊભી થઈ છે. આ લેન પર પીક-અવર્સમાં ભારે ટ્રાફિક થતો હોવાથી લોકો અનેક વખત રૉન્ગ સાઇડથી જતા જોવા મળે છે. વધુ પડતી આશા સાથે બેઠેલા લોકોને વર્સોવા બ્રિજની બીજી લેન માટે આટલા મહિના રાહ જોવી પડશે એટલે નિરાશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘોડબંદર ખાતે વર્સોવા ખાડી પર બનેલો નવો વર્સોવા બ્રિજ ફેબ્રુઆરી મહિનામાં પહેલાં શરૂ કરવામાં આવવાનો હતો, પરંતુ એને શરૂ થતાં માર્ચ મહિનો થઈ ગયો હતો. ૨૮ માર્ચે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મુંબઈ અને થાણેથી સુરત તરફ જતા પુલને ટ્વીટ કરીને શરૂ કરવાની વાત કર્યા બાદ માત્ર ત્રણ કલાકમાં જ બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ લેન શરૂ થતાં વાહનચાલકોને જૂના વર્સોવા બ્રિજની ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી છે. જૂની લેન તો મોટા ભાગે ખાલી જ હોય છે અને લોકો નવા બ્રિજનો મુંબઈ-સુરત જવા ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
મુંબઈ તેમ જ થાણેથી પાલઘર અને ગુજરાત પહોંચવા માટે ઘોડબંદર ખાતે વર્સોવા ખાડી પાર કરવી પડે છે. ભાઈંદર ખાડી પર પહેલો પુલ ૧૯૬૮માં બાંધવામાં આવ્યો હતો. આ બ્રિજ નબળો પડતાં નૅશનલ હાઇવે ઑથોરિટી દ્વારા જૂના વર્સોવા બ્રિજની બાજુમાં નવો વર્સોવા બ્રિજ બનાવવાનું કામ જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે બે વર્ષ કોરોનાકાળને કારણે કામ ધીમું પડ્યું હતું. નૅશનલ હાઇવે નંબર ૮ પરનો આ અઢી કિલોમીટર લાંબો બ્રિજ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બીજી લેન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક-પોલીસના જણાવ્યા અનુસાર ‘મુંબઈ અને ગુજરાતને જોડતો વાહનો માટેનો બ્રિજ ભાઈંદર ખાડી પર નૅશનલ હાઇવે ઑથોરિટી દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈ અને ગુજરાતને જોડતો આ બ્રિજ ટ્રાફિકની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. નવા વર્સોવા બ્રિજની એક લેન શરૂ થયા બાદ આશરે ૭૦ ટકાથી પણ વધુ ટ્રાફિક જૅમની સમસ્યા દૂર થઈ થઈ છે. બીજી લેન શરૂ થશે ત્યારે ટ્રાફિક જૅમમાં વધુ ફરક જોવા મળશે.’
આ બ્રિજનો મુંબઈ-સુરત અને થાણે-સુરત માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ માર્ગ શરૂ કરાયા પછી જૂના માર્ગ પરનો બધો ટ્રાફિક અહીં ડાઇવર્ટ થઈ જશે તો બીજા માર્ગનું કામ મે મહિના સુધી પૂરું કરી દેવામાં આવશે. આ કામ માટે ટ્રાફિક જંક્શન મોકળું રહેવું જોઈએ. ત્યાર બાદ સુરત-મુંબઈ માર્ગનું કામ શરૂ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. જૂના સુરત-મુંબઈ માર્ગ પર પીક-અવર્સમાં ટ્રાફિક જૅમ વધી જતાં લોકો રૉન્ગ સાઇડથી વાહનો લઈને જતા જોવા મળે છે. મુંબઈ-સુરત એક લેન શરૂ કરીને બે મહિના ઉપર થઈ ગયા છતાં સુરત-મુંબઈનું કામ ધીમી ગતિએ થતું જોવા મળે છે. જોકે બીજી લાઇન જૂન નહીં પણ છેક ઑક્ટોબર સુધીમાં થાય એવી શક્યતા છે.
વરસાદના કારણે કામ લંબાશે
નવા નિયુક્ત થયેલા નૅશનલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાસ ચિટણીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં સુરત-મુંબઈ માર્ગનું કામ ચાલી રહ્યું છે અને ૪૦થી ૫૦ ટકા જેટલું કામ થયું છે. ફિલિંગ કામ કરવામાં આવી રહ્યું છે; પણ ચોમાસું આવી ગયું હોવાથી કામ ધીમું પડશે, કારણ કે વરસાદને કારણે કામ કરતી વખતે બ્રિજની મજબૂતાઈ પર અસર પડતી હોય છે. સામાન્ય બ્રિજ હોય તો એ જલદીથી કરી શકાય, પરંતુ આ મરીનમાં કામ કરવાનું હોવાથી દરેક દિશાએ કામ કરવું પડે એમ છે. એથી સુરત-મુંબઈ લેનનું કામ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે.’