એક પૅસેન્જરે સ્ક્રીનશૉટ સાથે પ્રવાસ કરતાં તેણે ૨૧,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાની સાથે ટીસી સાથે મારઝૂડ કરવા બદલ ૫૦૦૦ રૂપિયા કૉમ્પેન્સેશન ચૂકવવાનો કોર્ટે આપ્યો આદેશ
ફાઇલ તસવીર
રેલવેની ટિકિટ તાત્કાલિક મળી રહે એ માટે રેલવેની યુટીએસ ઍપથી ટિકિટ કઢાવવાનું પ્રવાસીઓ માટે સહેલું બન્યું છે. જોકે અનેક વખત પરિવારના સભ્યો કે મિત્રો મોબાઇલની યુટીએસ ઍપથી ટિકિટ કઢાવીને એનો સ્ક્રીનશૉટ મોકલી દે છે. જોકે એ ટિકિટ ભલે સાચી હોય, પણ આવા સ્ક્રીનશૉટવાળી ટિકિટ વૅલિડ નથી ગણાતી. આવી ટિકિટ લઈને પ્રવાસ કરવાનું એક પ્રવાસીને ભારે પડ્યું છે અને તેણે ૨૧,૦૦૦ રૂપિયાનો દંડ અને ૫૦૦૦ રૂપિયા ટીસીને કૉમ્પેન્સેશન આપવાના, અન્યથા ૬ મહિનાની જેલ ભોગવવાની.
રેલવેની યુટીએસ ઍપમાં બદલાવ કરીને સ્ટેશનથી ટિકિટ કઢાવવાનું અંતર વધારવામાં આવ્યા બાદ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ ઍપનો ઉપયોગ કરવા માંડ્યા છે. જોકે અનેક રેલવે પ્રવાસીઓ એનાથી અજાણ છે કે યુટીએસથી કઢાવેલી ટિકિટનો સ્ક્રીનશૉટ લઈને પ્રવાસ કરી શકાતો નથી, પછી ભલે ટિકિટ પ્રવાસના થોડા સમય પહેલાં કઢાવવામાં આવી હોય. આવો જ એક કિસ્સો હાર્બર લાઇનના સીવુડ રેલવે સ્ટેશને ૨૦૨૨ની ૨૫ નવેમ્બરે બન્યો હતો. એ વખતે એક રેલવે પ્રવાસી મોહમ્મદ શમીમે બતાવેલી યુટીએસ ટિકિટનો સ્ક્રીનશૉટ ઇનવૅલિડ હોવાનું ફરજ બજાવતા સ્પેશ્યલ સ્ક્વૉડના હેડ ટીસી જોસેફ પેટરપ્પાએ કહ્યું હતું. જોકે એમ છતાં મોહમ્મદ હેડ ટીસી સાથે અનેક દલીલો કરીને ગુસ્સે ભરાયો અને ટીસીની મારઝૂડ કરતાં તેના પર આઇપીસીની ૩૫૩ અને આઇઆરએ ૧૪૭ કલમ હેઠળ વાશી જીઆરપીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એ પછી સેશન કોર્ટમાં આ કેસ પર દલીલો અને કાઉન્ટર દલીલો થતી હતી અને તારીખો પડતી રહી હતી. અંતે કોર્ટમાં એ કેસ ટીસીની તરફેણમાં આવ્યો.
ADVERTISEMENT
વધુ માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર(સીટીઆઇ) સુનીલ કુર્નેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યુટીએસથી કઢાવેલી ટિકિટ દેખાડવા માટે ઍપ પર શો ટિકિટનો ઑપ્શન છે, પણ આ પ્રવાસીએ એને બદલે બીજા કોઈના ઍપ પરથી ટિકિટ કઢાવીને એનો સ્ક્રીનશૉટ બતાવ્યો હતો. આ યોગ્ય ટિકિટ ન કહેવાય આમ છતાં તેણે હેડ ટીસીને માર માર્યો હતો એટલે એ વખતે પ્રવાસીની ધરપકડ કરીને તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. કોર્ટમાં કેસ ચાલતો હતો અને આ કેસમાં ટીસીઓ દ્વારા ટેક્નિકલ મદદ પૂરી પાડવામાં આવી હતી. યુટીએસ ઍપના ટેક્નિકલ મુદ્દાઓનું માર્ગદર્શન કરવા રેલવે વતી સરકારી વકીલની મદદ લેવાઈ હતી, જેમાં કોર્ટે પૅસેન્જરને ૨૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારીને હેડ ટીસીને ૫૦૦૦ રૂપિયા કૉમ્પન્સેશન આપવા પડશે અથવા ૬ મહિનાની જેલ ભોગવવાની હશે એવો આદેશ આપ્યો છે.’