મોંઘી લક્ઝરી કારની ચોરી કરતી અને શૅસિ નંબર બદલીને તેમ જ ડુપ્લિકેટ કાગળો બનાવીને આ કાર વેચતી એક ગૅન્ગની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની તપાસ અને પૂછપરછ કરીને તેમની પાસેથી પાંચ ચોરેલી લક્ઝરી કાર જપ્ત કરી હતી
દિંડોશી પોલીસે આરોપીઓ પાસેથી કાર જપ્ત કરી હતી
મુંબઈ : મોંઘી લક્ઝરી કારની ચોરી કરતી અને શૅસિ નંબર બદલીને તેમ જ ડુપ્લિકેટ કાગળો બનાવીને આ કાર વેચતી એક ગૅન્ગની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની તપાસ અને પૂછપરછ કરીને તેમની પાસેથી પાંચ ચોરેલી લક્ઝરી કાર જપ્ત કરી હતી જેની કિંમત અંદાજે ૯૦ લાખ રૂપિયાથી વધુની છે. આરોપીઓએ કયા વિસ્તારમાંથી આ રીતે કેટલી કાર ચોરી છે એ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. એક મોટી ગૅન્ગ સક્રિય હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
દિંડોશી પોલીસને જાણવા મળ્યું હતું કે આ ટોળકી ચોરી કરવા પહેલાં રેકી કરતી અને પછી કાર ચોરતી હતી. કાર ચોરીને એના ડુપ્લિકેટ કાગળો અને બૅચ બનાવીને વેચી નાખતી હતી. પોલીસે પકડેલા પહેલા આરોપીનું નામ વસીમ પઠાણ છે અને તે મધ્ય પ્રદેશનો રહેવાસી છે. તેની પૂછપરછ કરી ત્યારે બીજા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ સૈયદ ખાન છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે. પોલીસે નાકાબંધી દરમ્યાન આરોપીને પકડી પાડ્યો હતો.
ADVERTISEMENT
દિંડોશી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ રાઉતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાતે દિંડોશી સેશન્સ કોર્ટની સામે નાકાબંધી કર્યા બાદ આવતા-જતા લોકોની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે એક ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. જોકે નાકાબંધી વખતે કાર ચલાવનારના વલણથી પોલીસને શંકા ગઈ હતી. એથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને શંકાના આધારે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એ કાર ચોરીની હતી અને એની નંબરપ્લેટ અને શૅસિ નંબર અલગ-અલગ હતાં. પકડાયેલા આરોપીની દિંડોશી પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કેસમાં ઘણા ખુલાસા થયા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે આ કાર એક અન્ય વ્યક્તિ પાસેથી ખરીદી હતી જે ચોરીની કારનાં બનાવટી કાગળિયાંઓ બનાવીને વેચવાનું કામ કરતી હતી. પોલીસે તે વ્યક્તિની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ અત્યાર સુધીમાં પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેની કિંમત ૯૦ લાખ રૂપિયાથી વધુ છે. પોલીસે જપ્ત કરેલી કારમાં એક ક્રેટા કાર હતી જે નાકાબંધીમાં પકડાઈ હતી. એને જપ્ત કરવાની સાથે કર્ણાટકમાંથી અન્ય ત્રણ કાર જપ્ત કરવામાં આવી છે. એમાં ક્રેટા, ક્રિસ્ટા, સ્વિફ્ટ ડિઝાયરનો સમાવેશ થાય છે અને મુંબઈમાં એક મિત્ર પાસેથી તાતા હેરિયર જપ્ત કરવામાં આવી હતી. બોગસ કારનાં કાગળિયાં બનાવીને નંબર બદલવા વગેરે કામ માટે આખી ગૅન્ગ રાજ્યભરમાં સક્રિય હોવાથી ખૂબ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.’

