પાંચ મહિના થયા હોવા છતાં વિધાનસભ્યોની અપાત્રતા વિશેની સુનાવણી ગોકળગાયની ગતિએ થતી હોવાથી સર્વોચ્ચ અદાલતે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ખખડાવ્યા
રાહુલ નાર્વેકર અને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ
રાજ્યમાં શિવસેના અને એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતા વિશેનો નિર્ણય લેવામાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર હળવે હલેસે કામ લેતા હોવાનો આક્ષેપ કરીને શિવસેના (ઉદ્ધવ બાળસાહેબ ઠાકરે જૂથ) અને એનસીપીએ આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને દાદ માગી હતી. સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે એ બંને અરજીની સાથે સુનાવણી કરી હતી અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આડે હાથે લઈને બરાબરના ખખડાવ્યા હતા. ચીફ જસ્ટિસ યશવંત ચંદ્રચૂડે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘તમારે બે મહિનામાં આના પર નિર્ણય લેવો જોઈતો હતો. વિધાનસભાના અધ્યક્ષને કોઈ કહે કે તેઓ આ પ્રકરણને ગંભીરતાથી લે. શું આને તમે છોકરમત સમજો છો?’
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘વિધાનસભાના અધ્યક્ષનું પદ સંસદીય સરકારનો એક ભાગ છે એ અમે જાણીએ છીએ અને એટલે જ તેમના દ્વારા નિર્ણય લેવાનો હોય ત્યારે અમે કોઈ સમયમર્યાદા બાંધતા નથી, પરંતુ જો તે સમયસર નિર્ણય ન લેતા હોય તો તેમને જવાબદાર ગણવા જ જોઈએ. જો તે ચોક્કસ ટાઇમટેબલ ન આપી શકતા હોય તો અમારે સમયમર્યાદા બાંધવી પડશે.’
ADVERTISEMENT
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર તરફથી રજૂઆત કરતાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં રજૂ કરેલું ટાઇમટેબલ કોર્ટે ફગાવી દીધું હતું અને કહ્યું હતું કે ‘આ ટાઇમટેબલ નહીં ચાલે. અધ્યક્ષે આ બાબતમાં માત્ર ટાઇમ પાસ કરવાનું ધોરણ અપનાવ્યું હોય એમ પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. નવું ચોક્કસ ટાઇમટેબલ મંગળવાર સુધીમાં આપો, નહીં તો પછી અમે સમયમર્યાદા બાંધી દઈશું જે બે મહિનાની હોઈ શકે અને એમાં પછી અધ્યક્ષે નિર્ણય લેવો જ પડશે. નિર્ણય લેવાનો બધો જ અધિકાર વિધાનસભના અધ્યક્ષને છે એ ખરું, પણ ૧૧ મેના દિવસે સર્વોચ્ચ અદાલતે વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય અધ્યક્ષ લે એમ જણાવ્યું હતું અને એ માટેના બધા અધિકાર તેમને આપ્યા હતા. આ બાબતને પાંચ મહિના થયા હોવા છતાં અપાત્રતા વિશેની એ સુનાવણી આગળ કેમ નથી વધતી? અધ્યક્ષે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે.’
સૉલિસિટર જનરલ તુષાર મહેતા હવે મંગળવારે નવું ટાઇમટેબલ આપશે એમ તેમણે કોર્ટને જણાવ્યું હતું.