લાલ કારમાં આવેલા ૪૦ વર્ષના સુશાંત ચક્રવર્તીએ તેની કાર રોકી બહાર આવી દરિયામાં ઝંપલાવી દીધું હતું. તે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં જૉબ કરે છે અને પરિવાર સાથે પરેલમાં ભાડેથી રહે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને નવી મુંબઈ સાથે જોડતો અટલ સેતુ દરિયા પર બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ છે. ગઈ કાલે સવારે ૯.૫૭ વાગ્યે એના પરથી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારીએ દરિયામાં ઝંપલાવી દીધું હતું. પોલીસ તેની શોધ ચલાવી રહી છે. અટલ સેતુ પરથી ઝંપલાવવાની આ ચોથી ઘટના છે. આ પહેલાં એક ડૉક્ટર, એક એન્જિનિયર અને એક બૅન્કરે એના પરથી ઝંપલાવ્યું છે. જોકે એક મહિલાને કૅબ-ડ્રાઇવર અને પોલીસે સતર્કતા દાખવીને બચાવી લીધી હોવાની ઘટના થોડા વખત પહેલાં જ બની હતી.
અટલ સેતુ પરથી ઝંપલાવવાની આ ઘટના વિશે માહિતી આપતાં શિવડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત ખોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારના ૧૦ વાગ્યાની આસપાસ એ ઘટના બની હતી. લાલ કારમાં આવેલા ૪૦ વર્ષના સુશાંત ચક્રવર્તીએ તેની કાર રોકી બહાર આવી દરિયામાં ઝંપલાવી દીધું હતું. તે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં જૉબ કરે છે અને પરિવાર સાથે પરેલમાં ભાડેથી રહે છે. ઘટનાની જાણ અમને થતાં અમારી એક ટીમ તરત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)ની રેસ્ક્યુ બોટ, યલો ગેટ પોલીસની બોટ અને સ્થાનિક માછીમારોની મદદ લઈ સુશાંત ચક્રવર્તીને શોધાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમે તેમના પરિવારને પણ આ વિશે જાણ કરી છે.’