વાંદરાને કારણે ત્રાસી ગયા છે અમ્રિત બિલ્ડિંગના લોકો : પહેલાં દયા ખાઈને એને ખાવાનું આપ્યું એટલે હવે પેધો પડી ગયો છે : ટેરેસ પરના પાણીના નળ ખોલી નાખે છે અને ઘરમાં ઘૂસી જાય છે તેમ જ આસપાસના ખાણી-પીણીના સ્ટૉલ્સ પરની વસ્તુઓ પણ ખાઈ જાય છે
સાંતાક્રુઝના બિલ્ડિંગમાં વાંદરાનો આતંક.
વાંદરાને કારણે ત્રાસી ગયા છે અમ્રિત બિલ્ડિંગના લોકો : પહેલાં દયા ખાઈને એને ખાવાનું આપ્યું એટલે હવે પેધો પડી ગયો છે : ટેરેસ પરના પાણીના નળ ખોલી નાખે છે અને ઘરમાં ઘૂસી જાય છે તેમ જ આસપાસના ખાણી-પીણીના સ્ટૉલ્સ પરની વસ્તુઓ પણ ખાઈ જાય છે
સાંતાક્રુઝ-વેસ્ટમાં હાઈ લાઇફ મૉલની પાસે આવેલા અમ્રિત બિલ્ડિંગમાં દોઢ મહિનાથી એક વાંદરાનો ત્રાસ રહેવાસીઓએ સહન કરવો પડે છે. એ ખાવાની શોધમાં ઘરમાં ઘૂસે છે અને જે મળે એ ખાવાનું ખાઈ જાય છે તેમ જ સામાનની તોડફોડ કરે છે. ટેરેસ પર જઈને એ નળ ખોલી નાખતો હોવાથી પાણીનો વેડફાટ થવાને કારણે રહેવાસીઓ ત્રાસી ગયા છે. આ બાબતે રહેવાસીઓએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફરિયાદ પણ કરી છે, પરંતુ હજી સુધી એના ત્રાસથી છુટકારો મળ્યો નથી.
ADVERTISEMENT
સાંતાક્રુઝના સિનિયર સિટિઝન રાજેન્દ્ર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં ટેરેસ પર વાંદરો આવતાં અમે એને ખાવાનું આપ્યું હતું. અમને એમ હતું કે ખાઈને એ જતો રહેશે. જોકે હવે દિવસે-દિવસે એનો ત્રાસ વધી રહ્યો છે. આસપાસ સ્ટૉલવાળાનાં વડાપાંઉ લઈને બિલ્ડિંગમાં આવીને એ ખાય છે અને ટેરેસ પરના પાણીના નળ ખોલી નાખે છે. ઘરની અંદર ઘૂસીને ખાવાનું શોધે છે અને તોડફોડ કરે છે. અમે ત્રાસી ગયા છીએ આ મન્કીથી. એને પકડવા માટે ખાવાનું આપવાનું બંધ કરી નાખ્યું છે, પરંતુ એ જતો નથી. અમારા બિલ્ડિંગ સહિત આસપાસના ખાણી-પીણીના સ્ટૉલ પરથી ખાવાની વસ્તુઓ લઈને ખાઈ જાય છે. જો એ કોઈને બચકું ભરી લેશે તો? આ બાબતે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી તો એમનું કહેવું છે કે મોટું પાંજરું જોઈશે જે નથી એટલે એ આવશે ત્યારે બેથી ત્રણ દિવસમાં અમે મન્કીને પકડવા પાંજરું મૂકી દઈશું. વહેલી તકે મન્કીની સમસ્યા દૂર થાય તો સારું થશે નહીં.’
ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમ્રિત બિલ્ડિંગમાં વાંદરાના પ્રૉબ્લેમની અમને જાણ છે. હું પોતે ત્યાં જઈને વિઝિટ કરી આવ્યો છું. અમે એને પકડવાની ટ્રાય કરી હતી, પરંતુ એ હાથમાં આવ્યો નહોતો. રહેવાસીઓએ પહેલાં એને ખાવાનું આપીને ભૂલ કરી હતી. વાંદરાને પકડવા માટે મોટું પાંજરું જોઈશે. અમારી પાસે હાલમાં આવી ઘણીબધી ફરિયાદો આવી છે એટલે પાંજરાં એમાં રોકાયેલાં છે. એક મોટું પાંજરું મોટા વાંદરાને પકડવા માટે હતું, પણ એને વાંદરાએ તોડી નાખ્યું હતું. એને વેલ્ડિંગ કરવા આપ્યું છે. અમારી પાસે જેવું પાંજરું અવેલેબલ થશે એટલે તરત જ બિલ્ડિંગની ટેરેસ પર મૂકી દઈશું અને એને પકડી લઈશું જેથી રહેવાસીઓની પરેશાનીનો અંત આવે.’