BJPના નેતા કિરીટ સોમૈયાનાં પત્નીએ ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ કર્યો હતો, પરંતુ પુરાવા રજૂ ન કરતાં શિવડી કોર્ટે ચુકાદો આપ્યો; સાથે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો : જોકે એક મહિના સુધી મુક્ત
કોર્ટનો ચુકાદો આવ્યા પછી ગઈ કાલે પ્રભાદેવીમાં આવેલી ‘સામના’ની ઑફિસમાંથી બહાર નીકળતા સંજય રાઉત. તસવીર : અતુલ કાંબળે
મહા વિકાસ આઘાડીના અનેક નેતાઓના ભ્રષ્ટાચારનાં પ્રકરણો ઉઘાડાં પાડનારા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયાએ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત સામે કોર્ટમાં બદનક્ષીનો ૧૦૦ કરોડ રૂપિયાનો કેસ કર્યો છે. આ કેસમાં ગઈ કાલે શિવડી કોર્ટે સંજય રાઉતને ૧૫ દિવસની સજાની સાથે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મેધા સોમૈયાની સંસ્થાએ મીરા-ભાઈંદરમાં શૌચાલય બનાવ્યાં હતાં એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો સંજય રાઉતે કર્યો હતો. ૨૦૨૨ના આ કેસમાં જોકે કોર્ટે અનેક વખત નોટિસ મોકલ્યા બાદ પણ પુરાવા રજૂ નથી કર્યા એટલે સજા કરી હતી. ચુકાદા બાદ ધરપકડ કરીને જેલમાં ન મોકલવામાં આવે એ માટે સંજય રાઉતના વકીલોએ જામીન મેળવવાની અરજી કરી હતી એટલે કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને એક મહિના સુધી તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શું છે મામલો?
૨૦૦૮માં મેધા સોમૈયાની સંસ્થા યુવક પ્રતિષ્ઠાન દ્વારા મીરા-ભાઈંદરમાં ૧૬ સાર્વજનિક શૌચાલય બાંધવામાં આવ્યાં હતાં. આ સંસ્થાએ પર્યાવરણની મંજૂરી વિના શૌચાલય બાંધ્યાં હોવાનો તેમ જ બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે કૉન્ટ્રૅક્ટ ફાળવવામાં આવ્યો હોવાનો આરોપ એ સમયે અખંડ શિવસેનાના મીરા-ભાઈંદરના નેતા પ્રવીણ પાટીલે કર્યો હતો અને આ સંબંધી તપાસ કરવાની માગણી પણ કરી હતી. આ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો દાવો સંજય રાઉતે બાદમાં કર્યો હતો. આથી મેધા સોમૈયાએ સંજય રાઉતને બદનક્ષી કરવાની નોટિસ મોકલી હતી અને કોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી.
ADVERTISEMENT
સામાન્ય ગૃહિણીની જેમ લડી : મેધા સોમૈયા
શિવડી કોર્ટે સંજય રાઉતને સજા કરતો ચુકાદો આપ્યા બાદ મેધા સોમૈયાએ ગઈ કાલે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં કહેવા માગીશ કે ભારતની ન્યાયવ્યવસ્થા આજે પણ ભગવાન રામે શરૂ કરેલી પરંપરા મુજબ જ ચાલી રહી છે. આથી હું કોર્ટનો દિલથી આભાર માનું છું. મારા કુટુંબ પર કે મારા પુત્ર પર સંકટ લાવવાનો પ્રયાસ થયો ત્યારે એક સામાન્ય ગૃહિણી જેવી રીતે લડે છે એવી જ રીતે હું લડી. કોર્ટે મને યોગ્ય ન્યાય આપ્યો છે. હું સમાજસેવા કરવાની સાથે શિક્ષણ આપવાનું કામ પણ કરું છું. કોર્ટે આ બન્ને બાબતને ન્યાય આપ્યો છે એવું ફીલ થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના એલફેલ બોલવાની સાથે ખોટા આરોપ કરનારાઓને સજા થવી જ જોઈએ. સજા થશે તો જ કોઈ આવાં નિવેદનો નહીં આપે.’
અમે ભ્રષ્ટાચારના પુરાવા આપીશું : સંજય રાઉત
કોર્ટે સજા કર્યા બાદ સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘કોર્ટના ચુકાદાને માન આપું છું. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડના ઘરે ગણેશોત્સવમાં જઈને મોદક ખાતા હોય તો ન્યાયાલય પાસેથી વિરોધ પક્ષોના નેતાઓ ન્યાય મેળવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? શૌચાલય બાંધવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એના પુરાવા અમારી પાસે છે જે અમે કોર્ટમાં રજૂ કરીશું.’