જોકે BJP અને શિવસેનાએ પણ આ વાત નકારી કાઢી હતી
સંજય રાઉત
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજેરોજ કંઈ ને કંઈ નવા દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની મહાયુતિમાંથી અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની હકાલપટ્ટી કરવામાં આવશે અને આ કામમાં એકનાથ શિંદેની શિવસેનાના અમુક નેતાઓ પણ લાગ્યા છે.
છેલ્લા થોડા સમયથી મહા વિકાસ આઘાડીની જેમ મહાયુતિના ત્રણે પક્ષોમાં પણ ખેંચતાણ જોવા મળી રહી છે. સરકારના ઘણા કાર્યક્રમોમાં અજિત પવારની ગેરહાજરી જોવા મળે છે એટલું જ નહીં, રાજ્ય સરકારની માઝી લાડકી બહિણ યોજનાનો લાભ ખાટી જવા માટે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે અલગથી જાહેરખબર બનાવી છે અને એમાં BJP કે શિવસેનાના નેતાઓનો સમાવેશ કરવામાં નથી આવ્યો. જોકે અજિત પવારે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારી ત્રણે પાર્ટીએ પોતપોતાની રીતે પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે. આ બધું જોતા સંજય રાઉતે ગઈ કાલે કરેલી વાતને લીધે જબરદસ્ત રાજકારણ ગરમાયું છે.
જોકે BJP અને શિવસેનાએ પણ આ વાત નકારી કાઢી હતી અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ મહાયુતિમાંથી બહાર જશે એ વાતને સંજય રાઉતનું મુંગેરીલાલનું હસીન સપનું ગણાવ્યું હતું. રાજ્ય BJPના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ તો વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘અજિત પવાર અને તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તો મહાયુતિની સાથે જ છે, પણ અમને જાણવા મળ્યું છે કે મહા વિકાસ આઘાડીમાંથી ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટીને કાઢી મૂકવાની તજવીજ ચાલી રહી છે.’