આ આક્ષેપથી મહા વિકાસ આઘાડીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું
સંજય રાઉત, નાના પટોલ
વિરોધ પક્ષોનું ‘ઇન્ડિયા’ ગઠબંધન વિખેરાવાની તૈયારીમાં છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ બેઠકોની સમજૂતીમાં ષડ્યંત્ર કર્યું હોવાનો આરોપ કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કરતાં મહા વિકાસ આઘાડીના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે.
વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી વખતે બેઠકોની સમજૂતીની ચર્ચા ૨૦ દિવસ ચાલી હતી, જેનો નિર્ણય બે દિવસમાં થઈ શક્યો હોત. સંજય રાઉત અને નાના પટોલે બેઠકોની સમજૂતી વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ બન્ને નેતાઓએ બેઠકોની સમજૂતી માટે આટલો સમય લીધો એની પાછળ કોઈ પ્લાનિંગ હતું? બેઠક સવારના ૧૧ વાગ્યે બોલાવવામાં આવતી, પણ આ નેતાઓ બે વાગ્યે બેઠકમાં પહોંચતા હતા. સમજૂતી કરવામાં વધુ સમય જવાને લીધે ચૂંટણીમાં નુકસાન થયું છે. બેઠકોની સમજૂતી મોડી કરવા પાછળ ષડ્યંત્ર કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.’