નૅશનલ પાર્કમાં લાયન સફારી પ્રવાસીઓ માટે મહત્ત્વનું આકર્ષણ છે અને પાર્કના રેવન્યુમાં મહત્ત્વનો ફાળો આપે છે
ફાઇલ તસવીર
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ટૂંક સમયમાં સિંહની જોડી આવવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નૅશનલ પાર્કમાંથી બે વાઘના બદલામાં ગુજરાતમાંથી બે સિંહ મેળવવા માટે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી (CZA)ને દરખાસ્ત મોકલવામાં આવી છે. CZA ટૂંક સમયમાં દરખાસ્ત મંજૂર કરે તો ઍનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવશે.’
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલાં સિંહની જોડી નૅશનલ પાર્કમાં આવી શકે છે.
ADVERTISEMENT
નવેમ્બર ૨૦૨૨માં બે બ્રીડિંગ લાયન્સ જૂનાગઢથી નૅશનલ પાર્કમાં આવ્યા હતા ત્યારે કૅપ્ટિવ સફારીમાં એક જ સિંહ બચ્યો હતો. ઑક્ટોબર ૨૦૨૨માં નૅશનલ પાર્કનો સૌથી વૃદ્ધ સિંહ રવીન્દર મૃત્યુ પામ્યો હતો.
ગુજરાતથી નૅશનલ પાર્કમાં લાવવામાં આવેલી સિંહની જોડી ૩ વર્ષની હતી. સિંહોને શરૂઆતમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા ત્યાર બાદ સફારી વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા.
સિંહોની વસ્તી વધી કેમ નથી?
નૅશનલ પાર્કમાં લાયન સફારી પ્રવાસીઓ માટે મહત્ત્વનું આકર્ષણ છે અને પાર્કના રેવન્યુમાં મહત્ત્વનો ફાળો આપે છે. સફારીના સિંહ સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા એશિયન અને આફ્રિકન સિંહો થકી જન્મ્યા હતા. સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીએ કેદમાં રહેલા એશિયન અને આફ્રિકન સિંહો વચ્ચે મેટિંગ ન થવા દેવાનો નિર્દેશ આપ્યો છે, જેને કારણે નૅશનલ પાર્કમાં સિંહોની વસ્તી વધી નથી.