છેલ્લા થોડા દિવસથી રસ્તા પર ઊતરેલા શ્રાવકોના આંદોલનની નોંધ લઈને કેન્દ્ર સરકારના પર્યાવરણપ્રધાને પર્યાવરણ વિભાગના ૨૦૧૯ના નોટિફિકેશન પર સ્ટે જાહેર કરીને હવે સમેતશિખરને લઈને ગરબડ ન થાય એ જોવા માટે મૉનિટરિંગ કમિટીની રચના કરવા કહ્યું
પહેલાં જનજાગૃતિ અને પછી જનઆક્રોશે કરાવી દીધો જૈનોનો જયજયકાર
મુંબઈ : જૈનોના ઝારખંડમાં આવેલા શ્રી સમેતશિખર તીર્થના વિવાદ પર આજે કેન્દ્ર સરકારની પહેલથી પડદો પડી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી શ્રી સમેતશિખર તીર્થને પર્યટન-સ્થળ જાહેર કરવાના મુદ્દે દેશભરમાં જૈનો સડક પર આવી ગયા હતા. જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકરો જ્યાં મોક્ષગતિને પામ્યા છે એ પારસનાથ પર્વતના સંદર્ભમાં ઑગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ઇકો-સેન્સિટિવ ઝોનને લઈને એક નોટિફિકેશ બહાર પાડ્યું હતું. ગઈ કાલે કેન્દ્ર સરકારે જૈનોના ઉગ્ર વિરોધ અને તેમની દુભાયેલી લાગણીને ધ્યાનમાં રાખીને આ નોટિફિકેશન સામે સ્ટે આપી દીધો હતો અને હવે પછી કોઈ ગરબડ ન થાય એ જોવા માટે મોનિટરિંગ કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. એનાથી જૈન સમાજમાં હર્ષોલ્લાસનું વાતાવરણ ફેલાયું છે.
આ બાબતની માહિતી આપતાં અખિલ ભારતીય જૈન માઇનૉરિટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે શ્રી સમેતશિખરજી તીર્થના સંદર્ભમાં જૈન સમાજ તરફથી મારા સહિત મહારાષ્ટ્ર સરકારના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઓમપ્રકાશ સકલેચા, સંસદસભ્ય લહેરસિંહ સિરોયા, ભૂતપૂર્વ સંસદસભ્ય સતપાલ જૈન, યુવક મહાસંઘના ચૅરમૅન સુનીલ સિંધી, આણંદજી કલ્યાણજીની પેઢીના શ્રીપાલ શાહ, નાકોડા તીર્થના રમેશ મુથા, ભારતીય જનતા પાર્ટીના જૈના પ્રકોષ્ટના પ્રદેશ અધ્યક્ષ સંદીપ ભંડારી, અશોક પટણી, દિલ્હીના આર. કે. જૈન, ગજરાજ જૈન ગંગવાલ, મુંબઈના શિખરચંદ જૈન પહાડિયા, સંતોષ પંડારે, જૈન માઇનૉરિટી સેલના જૉઇન્ટ સેક્રેટરી સૌરભ ભંડારી, વિપિન જૈન, જે. કે. જૈન, ઉમેશ જૈન, વિકાસ અચ્છા, દીપક મહેતા વગેરે પદાધિકારીઓએ કેન્દ્રીય પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે શ્રી સમેતશિખરજી તીર્થના મુદ્દે મીટિંગ કરી હતી. અમારી સાથે વિસ્તૃત વાત કર્યા પછી તરત જ તેમણે ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડીને ૨૦૧૯ના નોટિફિકેશન પર સ્ટે આપ્યો હતો.’
ADVERTISEMENT
પર્યાવરણપ્રધાને શું પગલાં લીધાં?
કેન્દ્રના પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવે ૨૦૧૯ના નોટિફિકેશન સામે સ્ટે આપીને રાંચીના ઝારખંડના પર્યાવરણ અને વનવિભાગના ચીફ સેક્રેટરીને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇકો-સેન્સિટિવ ઝોન નોટિફિકેશનના પર્યાવરણ પ્રોટેક્શન ઍક્ટ ૧૯૮૬ના સેક્શન ત્રણના સબ-સેક્શન ત્રણ અંતર્ગત કેન્દ્ર સરકારે એક મોનિટરિંગ કમિટીની રચના કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે બે મેમ્બર જૈન સમાજમાંથી અને એક વ્યક્તિ રાજ્યની જનજાતિ કમ્યુનિટીમાંથીને આ તપાસ કમિટીમાં આમંત્રણ આપવામાં આવશે, જેથી મહત્ત્વપૂર્વ હિતધારકો દ્વારા ઉચિત ભાગીદારી અને નિરીક્ષણ થઈ શકે.’
આ પહેલાં પર્યાવરણપ્રધાને આ પત્રમાં રાજ્ય સરકારને નિર્દેશ કરતાં કહ્યું હતું કે ‘અત્યારે વનવિભાગ પાસે પારસનાથ તીર્થની સુરક્ષાની જવાબદારી છે. આ સુરક્ષા અધિકારીઓ દ્વારા પારસનાથ તીર્થની પવિત્રતા જાળવવા માટે આ પર્વત પર કોઈ માંસ-મદિરાનું સેવન કરે નહીં અને જોરશોરથી લાઉડસ્પીકર કે ગીતો વગાડે નહીં એ માટે રાજ્ય સરકારના ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ના લાદવામાં આવેલા પ્રતિબંધનું કડકપણે પાલન કરવામાં આવે.’
ઝારખંડના મુખ્ય પ્રધાને કેન્દ્રને શું કહ્યું?
આ પહેલાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને ભૂપેન્દ્ર યાદવને એક પત્ર લખીને કહ્યું હતું કે ‘શ્રી સમેતશિખરજી તીર્થની પવિત્રતાને અખંડ રાખવા માટે સરકાર તૈયાર છે. ઝારખંડ પર્યટન નીતિ ૨૦૨૧માં પારસનાથ પર્વતને તીર્થ માનીને આ સ્થળનો ધાર્મિક તીર્થ ક્ષેત્ર તરીકે વિકાસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યારે તો આ તીર્થની સુરક્ષા અને પવિત્રતા ખંડિત ન થાય એ માટે તીર્થ પર પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હમણાં-હમણાં અનેક જૈન સંગઠનો તરફથી આ સ્થળની પવિત્રતા અને સુવિધા બનાવી રાખવા માટે અને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય તરફથી જાહેર કરેલા ૨૦૧૯ના નિવેદનના સેક્શન ત્રણને રદ કરવાની માગણી કરતાં આવેદનપત્રો રાજ્ય સરકાર પાસે આવ્યાં છે. રાજ્ય સરકારે આ સેક્શનમાં જણાવ્યા પ્રમાણે આજ સુધી કોઈ જ કદમ ભર્યું નથી. અમે આ પર્વતની પવિત્રતા જાળવવા માટેના પૂરતા પ્રયાસો અને આવશ્યક કાર્યવાહી કરી જ રહ્યા છે, પણ સેક્શન ત્રણને રદ કરવાની કાર્યવાહી ફક્ત કેન્દ્ર સરકારનું પર્યાવરણ મંત્રાલય જ કરી શકે છે. આથી જૈનોની ભાવનાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારનું પર્યાવરણ મંત્રાલય વહેલી તકે સકારાત્મક નિર્ણય લે એ જરૂરી છે.’