Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ છે જૈનોની મહાશક્તિ...સરકાર જાગશે નહીં તો રોજ સવારે જૈનોની રૅલી

આ છે જૈનોની મહાશક્તિ...સરકાર જાગશે નહીં તો રોજ સવારે જૈનોની રૅલી

Published : 02 January, 2023 08:49 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

શત્રુંજય અને સમેતશિખરજી તીર્થ બચાવવા માટે ગઈ કાલે લાખો જૈનો રસ્તા પર ઊતર્યા હતા. આ છે બોરીવલીમાં પ્રદર્શિત જૈન-એકતા : આવી ચીમકી સાથે માત્ર મુંબઈ જ નહીં, દેશભરમાં લાખોની સંખ્યામાં જૈનોએ શત્રુંજય અને સમેત શિખરજીની સરકારની ઉપેક્ષા સામે મહારૅલીઓ કાઢી હતી

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


ભાવનગર પાસે આવેલા શત્રુંજય તીર્થની અને ઝારખંડના સમેતશિખરજી તીર્થની રક્ષાર્થે મુંબઈમાં અલગ-અલગ ચાર સ્થળો થાણે, ભિવંડી, ભાઈંદર, વસઈ-વિરાર અને આસપાસનાં ઉપનગરોમાં ગઈ કાલે નીકળેલી મહારૅલી ‘જય જય શ્રી આદિનાથ’, ‘નહીં ચલેગી, દાદાગીરી નહીં ચલેગી’, ‘ગલી ગલી મેં નારા હૈ, શત્રુંજય-શિખરજી હમારા હૈ’ના ગગનભેદી નારાથી ગુંજી ઊઠી હતી. આ રૅલી પછીની ધર્મસભામાં યુવાનોએ કહ્યું હતું કે ‘જો આ રૅલી પછી પણ સરકાર અને પ્રશાસનની નીંદર નહીં ઊડે અને ગિરિરાજની રક્ષા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં નહીં આવે તો ફક્ત રવિવારે જ નહીં, રોજ સવારે જૈનોની મુંબઈમાં રૅલી નીકળશે. જ્યાં સુધી ગુજરાત સરકાર અને પ્રશાસન તીર્થની જમીન પર થઈ રહેલા અતિક્રમણ અને ગેરકાયદે થતી પ્રવૃત્તિઓને સદંતર રોકશે નહીં ત્યાં સુધી સમગ્ર જૈન સમાજ જંપીને બેસશે નહીં.’




થાણે પાસેના શહાપુરના માનસ મંદિરમાં ઉપધાન તપની માળા પ્રસંગે આવેલા ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું બહુમાન કરી રહેલા જૈન અગ્રણી


રૅલી સમયે ગૃહપ્રધાન શહાપુરમાં હતા
સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે મુંબઈ અને આસપાસનાં ઉપનગરોમાં લાખો જૈન સાધુભગવંતો, નાનાં બાળકો અને શારીરિક રીતે અક્ષમ સિનિયર સિટિઝનો મહારૅલીમાં શત્રુંજય તીર્થની અને સમેતશિખર તીર્થની રક્ષા માટેના નારા લગાવી રહ્યાં હતાં ત્યારે જ ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી થાણે પાસે આવેલા શહાપુર તીર્થમાં જૈનોના એક ધાર્મિક પ્રસંગ ઉપધાન તપની માળના પ્રસંગે હાજર રહ્યા હતા. એ સમયે ભક્તિયોગાચાર્ય પૂજ્ય યશોવિજયસૂરીજીએ હર્ષ સંઘવીને આશિષ આપતાં જણાવ્યું હતું કે ‘જૈન સંઘ માટે જૈન સમાજની એક વ્યક્તિ અત્યારે ગુજરાતના ગૃહપ્રધાન છે એ ગૌરવનું ચિહ્ન છે. આ પોસ્ટ પર આવ્યા પછી ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે વધુ કટિબદ્ધ બનજો.’

ત્યાર પછી જૈનાચાર્ય પૂજ્ય ભાગ્યેશસૂરીજીએ કહ્યું હતું કે ‘જૈન સમાજ નાનો છે. છતાં રાષ્ટ્ર માટે મોટું યોગદાન આપી રહ્યો છે. જૈનોના આસ્થાસ્થાન મહાતીર્થ શત્રુંજયની પવિત્રતા જળવાય એ માટે વિશેષ કાળજી રાખજો.’ 


જોકે હર્ષ સંઘવીએ આ બંને આચાર્યોના આશિષ પછી પણ જૈન સમાજને બે આશ્વાસનના શબ્દો કહ્યા નહોતા.

હીરાબાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ 
ગઈ કાલે મુંબઈમાં શત્રુંજય મહાતીર્થ અને સમેતશિખરજીની રક્ષા કાજે મુંબઈના જૈન સંઘો વતી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા સવારે સાડાનવ વાગ્યે સાઉથ મુંબઈ, ઈસ્ટર્ન મુંબઈ અને વેસ્ટર્ન મુંબઈમાં મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીની શરૂઆતમાં સૌપ્રથમ સાદગી, સેવા અને સમર્પણના ગુણોને આત્મસાત્ કરનાર રાષ્ટ્રમાતા હીરાબાને મુંબઈના તમામ જૈનો દ્વારા નવકાર મહામંત્રના સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર પછી રૅલીમાં હાજર રહેલા જૈનોએ ‘સુરક્ષિત કરી દો અમારા અતિ પવિત્ર ગિરિરાજ’ને એવા ગગનભેદી નારા સાથે પરમ, પાવન અને પવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે વિરાટ પદયાત્રા કરી હતી.

આદિનાથ પ્રભુનાં પગલાંને ખંડિત કર્યાની વેદના
અમુક અસામાજિક તત્ત્વો દ્વારા ૨૬ નવેમ્બરે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથદાદાનાં પ્રાચીન પગલાં મલિન તત્ત્વો દ્વારા ખંડિત થતાં જૈનોની વેદના આસમાનને આંબી છે. આ માહિતી આપતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના અગ્રણી કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિતાણાનાં મુઠ્ઠીભર અસામાજિક તોફાની તત્ત્વોએ આદિનાથ પ્રભુનાં પ્રાચીન પગલાં પર કઠોર પ્રહારો કરીને એને ખંડિત કરી દીધાં, માઇનિંગવાળા ફૉરેસ્ટ કાયદાઓનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, દારૂની ભઠ્ઠીઓના અડ્ડાઓ ગિરિરાજ પર ચાલી રહ્યા છે, જમીન માફિયાઓ અને સ્થાપિત હિતો એકઠાં થઈ રહ્યાં છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ખંડિત કરનારાં તત્ત્વોની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરીને દેશમાં અશાંતિ ફેલાવવાનું કૃત્ય કરનારા, કરાવનારા અને આ ગુનાહિત કૃત્યના પ્રયોજનથી લાભ પામનારાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે એવી પ્રબળ લોક માગ ઊઠી છે. વિશ્વભરમાં શાંતિ, અહિંસા, ભાઈચારા અને પરોપકાર માટે જૈનો જાણીતા છે.’

અમદાવાદમાં પણ ગઈ કાલે જૈન તીર્થો બચાવવા માટે કાઢવામાં આ‍વેલી મહારૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

રાજનેતાઓએ શું કહ્યું?
સાઉથ મુંબઈના ભારતીય જનતા પાર્ટીના જૈન સંસદસભ્ય મંગલ પ્રભાત લોઢાએ રૅલી પછી સાધુભગવંતોની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી શત્રુંજય તીર્થની રક્ષાની સમસ્યાનું પ્રશાસન તરફથી જૈન ગુરુભગવંતોની મરજી પ્રમાણે નિરાકરણ કે સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી હું દાઢી કરીશ નહીં અને પગમાં ચંપલ પહેરીશ નહીં. જો એ પછી પણ આ નિરાકરણ ૧૫ જાન્યુઆરી સુધીમાં નહીં થાય તો મારા ગુરુભગવંતો કે નાનું બાળક મને જે આજ્ઞા કરશે એમ હું કરવા હું બંધાયેલો છું, કારણ કે મારી આજે જે પ્રતિષ્ઠા છે એ તમારા લોકોને લીધે અને ગુરુભગવંતોના આશીર્વાદને કારણે છે.’

ઈશાન મુંબઈના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય મનોજ કોટકે જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘અત્યારની સરકાર તમારી સરકાર છે જેના કાન સુધી તમારી વાતો પહોંચે છે અને તે સાંભળે પણ છે. પહેલાં તો સમેતશિખરજીને કોઈ પણ સંજોગોમાં પર્યટન સ્થળ બનાવવા દેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારના પર્યટનપ્રધાને આ બાબતમાં પુન:વિચાર કરવા માટે ૨૨ ડિસેમ્બરે જ ઝારખંડના ચીફ મિનિસ્ટર હેમંત સોરેનને પત્ર લખીને જણાવી દીધું છે. હવે વાત છે શત્રુંજય તીર્થની તો અમારી સરકાર એના પર પણ કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. આમ છતાં તીર્થની રક્ષા માટેની આપણી લડત અને સંઘર્ષ જ્યાં સુધી આપણી માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું. જરૂર પડશે તો મુંબઈથી એક પ્રતિનિધિમંડળ ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલને મળીને આ સમસ્યાના ઉકેલની માગણી કરશે.’

ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના જૈન વિધાનસભ્ય પરાગ શાહે કહ્યું હતું કે ‘આ લડત તમારા એકલાની નથી, આપણા બધાની છે. એ આપણે સાથે મળીને લડીશું. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારણા કરીને જૈનોને ન્યાય અપાવશે. જો આપણા ઘર પર કોઈ કબજો કરી લે તો આપણે એકલા હાથે લડીએ છે, પણ આ તો સમગ્ર જૈન સમાજના તીર્થ પર કોઈ કબજો કરવાની વાત કરે છે તો તેની સામે આપણે બધા જ એકસાથે મળીને લડત આપીશું. મારી એક સલાહ પણ છે કે દેરાસરો અને ઉપાશ્રયો બાંધીએ છીએ એનું જતન કરવાની જવાબદારી આપણી છે. આ જવાબદારી આપણે ઉઠાવી શકતા હોઈએ તો જ નવાં દેરાસરો બાંધવાં જોઈએ.’

દ​ક્ષિણ મુંબઈમાં ગઈ કાલે વી. પી. રોડથી નીકળેલી રૅલી ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. લાખોની સંખ્યામાં જૈનો આમાં જોડાયા હતા. (તસવીર : સમીર માર્કન્ડે)

ભાઈંદરમાં પણ રૅલી 
શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણા અને શ્રી સમેતશિખરજી તીર્થની સુરક્ષા માટે મુંબઈમાં વિવિધ ઠેકાણેથી મહારૅલીનું આયોજન કરાયું હતું. એ અનુસાર ભાઈંદર-વેસ્ટમાં બાવન જિનાલયથી યોજાયેલી રૅલીમાં ૯થી ૧૦ હજાર લોકો જોડાયા હતા. તીર્થ બચાવોના નારા સાથે અનેક સાધુ-ભગંવતો, સાધ્વીજી સુધ્ધાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વ્હીલ-ચૅર પર બેસીને પણ લોકો રૅલીમાં જોડાયા હતા. રૅલી દરમ્યાન વિનંતીના આધારે ફિશમાર્કેટ પણ થોડો સમય માટે બંધ રાખવામાં આવી હતી.  વસઈ-વિરારના સમસ્ત જૈન સંઘ દ્વારા ૮ જાન્યુઆરીએ વિશાળ મહારૅલીનું આયોજન કરાશે.

સુરતમાં સ્વયંભૂ રૅલી નીકળી
શ્રી શત્રુંજય મહાતીર્થ પર થયેલાં દબાણો, ગેરકાયદે ખનન, તળેટી પર દારૂનું વેચાણ, અસામાજિક તત્ત્વોની દાદાગીરી, રોહિશાળા પર શ્રી આદેશ્વરદાદાનાં પ્રાચીન પગલાંને ખંડિત કરવા અને શત્રુંજય પર્વત પર ભીમકુંડ સુધી પહોંચી જઈ સીસીટીવી કૅમેરા બોર્ડની તોડફોડ કરનારાં અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા માટે જૈન સમાજે ભારતભરમાં રૅલીનું આયોજન કર્યું હતું. આ જાણકારી આપતાં સમગ્ર મુંબઈ જૈન સંઘ સંગઠનના અગ્રણી અતુલ વ્રજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતના પોલીસ કમિશનરે સુરતમાં રૅલીને પરમિશન આપી હતી અને છેલ્લી ક્ષણે ગઈ કાલે સુરતમાં રૅલી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે જૈનોની ઉગ્રતા અને આક્રોશને કારણે ગઈ કાલે સવારે નવ વાગ્યે સુરતના જૈનો સ્વયંભૂ રોડ પર ઊતરી આવ્યા હતા અને રૅલીનું આયોજન કર્યું હતું. આ રૅલી વનિતા વિશ્રામથી શરૂ થઈ અઠવા ગેટ ચોપાટી, કમિશનર કચેરી, લાલ બંગલા, જિલ્લા કોર્ટ થઈને કલેક્ટરની કચેરી પહોંચી હતી. આ રૅલીની વિશેષ વાત એ હતી કે કોઈ પણ જાતની જાહેરાત વિના સ્વયંભૂ લોકો આ રૅલીમાં જોડાયા હતા.’

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 08:49 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK