મુંબઈની પોલીસે પૂરી પાડેલી માહિતીના આધારે છત્તીસગઢના દુર્ગમાં ચાલતી ટ્રેનમાંથી પકડાયો સૈફ અલી ખાન પર અટૅક કરીને ભાગેલો શકમંદ
છત્તીસગઢની દુર્ગ રેલવે પ્રોટેક્શન ફોર્સે આકાશ કનોજિયા નામના યુવકને તાબામાં લીધો હતો (ડાબે), સૈફ પર અટૅક કરીને ભાગી રહેલો આરોપી (જમણે)
સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરનારો યુવક મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી કલકત્તા તરફ જઈ રહેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હોવાની માહિતી મળતાં છત્તીસગઢ રાજ્યના દુર્ગ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે ગઈ કાલે એક યુવકને તાબામાં લીધો હતો. જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ સોમવાર, મંગળવાર, શુક્રવાર અને શનિવારે મુંબઈથી રવાના થાય છે. શંકાસ્પદ આરોપી બુધવારે રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં હુમલો કર્યા બાદ પહેલાં બાંદરા અને પછી દાદર રેલવે-સ્ટેશન પર જોવા મળ્યો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સાથે છત્તીસગઢમાં તાબામાં લેવામાં આવેલા આરોપીનો ચહેરો મૅચ ન થતો હોવા છતાં પોલીસ કોઈ ચાન્સ લેવા નથી માગતી એટલે મુંબઈ પોલીસ શંકાસ્પદ આરોપીને મુંબઈ લાવવા માટે ટીમ છત્તીસગઢ જવા રવાના થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
RPFના બિલાસપુર વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ મુનવ્વર ખુરશીદે કહ્યું હતું કે ‘સૈફ અલી ખાન પર હુમલો કરનારા શંકાસ્પદ આરોપીનો ફોટો અને વિડિયો મુંબઈના જુહુ પોલીસ-સ્ટેશનના એક સબ ઇન્સ્પેક્ટરે શૅર કર્યો હતો. આ માહિતીને આધારે અમે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ બપોર બાદ રાજનાંદગાવ પહોંચી હતી ત્યારે તપાસ કરી હતી. જોકે શંકાસ્પદ આરોપી ક્યાંય જોવા નહોતો મળ્યો. આથી અમે આરોપીને શોધવા માટે બે ટીમ બનાવીને દુર્ગ મોકલી હતી. આરોપી એક્સપ્રેસ ટ્રેનના એન્જિન પછીના જનરલ ડબામાંથી મળી આવ્યો હતો. તેની પાસે કોઈ ટિકિટ નહોતી. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ આકાશ કનોજિયા કહ્યું હતું. તેની પાસેથી ફાસ્ટ ટ્રૅક લખેલી એક બૅગ મળી આવી હતી. આરોપીની માહિતી બાબતે મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે વિડિયો કૉલથી સંપર્ક કરવામાં આવ્યો છે. આથી મુંબઈની પોલીસ રાયપુર આવીને શંકાસ્પદ આરોપીનો તાબો લેશે.’
ADVERTISEMENT
બાંદરામાંથી બેને તાબામાં લેવાયા
પોલીસે બાંદરામાંથી બે શંકાસ્પદને તાબામાં લઈને પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ લોકો કોણ છે અને તેમનો સૈફ પર હુમલો કરવાની ઘટના સાથે શું સંબંધ છે એની પોલીસે કોઈ માહિતી જાહેર નથી કરી.