સૈફ અલી ખાન પરના અટૅક વિશે પૂજા ભટ્ટે મુંબઈ પોલીસને સવાલ કર્યા; કરિશ્મા તન્ના કહે છે, આ ઘટના ચેતવણી સમાન
પૂજા ભટ્ટ, કરિશ્મા તન્ના
સૈફ-કરીનાની બાજુના બિલ્ડિંગમાં રહેતી કરિશ્મા તન્ના કહે છે... આ ઘટના ચેતવણી સમાન, ગાર્ડ્સને યોગ્ય ટ્રેઇનિંગની જરૂર
મુંબઈના બાંદરા જેવા પૉશ એરિયામાં બનેલી ઘટનાથી આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. આવા સંજોગોમાં ઍક્ટ્રેસ કરિશ્મા તન્નાએ મોટું નિવેદન આપ્યું છે. કરિશ્મા અત્યારે સૈફના બાજુના બિલ્ડિંગમાં જ રહે છે. સૈફ પર થયેલા હુમલા પછી કરિશ્માએ નિવેદન આપતાં જણાવ્યું છે કે ‘આ સમગ્ર ઘટના બાંદરાનાં અનેક પૉશ અને બહુમાળી બિલ્ડિંગ માટે ચેતવણી છે. હું મારી પોતાની સોસાયટીમાં ઘણા સમયથી સુરક્ષા-વ્યવસ્થા વધારે સઘન બનાવવા માટે કહી રહી છું. મને લાગે છે કે ગાર્ડ્સને યોગ્ય ટ્રેઇનિંગની જરૂર છે. જો તેઓ જ કંઈ નહીં કરી શકે તો એક પરિવાર પોતાને કઈ રીતે બચાવી શકશે? આ બહુ ડરામણું છે.’ આ ઘટના વિશે વાત કરતાં કરિશ્માએ કહ્યું કે ‘મને આશા છે કે લોકો આ ઘટનામાંથી કોઈ પાઠ ભણશે. આ પરિવાર સાથે જેકાંઈ થયું એ બહુ અફસોસની વાત છે. મને આશા છે કે મારા બિલ્ડિંગમાં પણ હવે સુરક્ષા-વ્યવસ્થા વધારે મજબૂત બનાવવાના મુદ્દા પર ધ્યાન આપીને વધારે ગાર્ડ તહેનાત કરવામાં આવશે.’
ADVERTISEMENT
પૂજા ભટ્ટે પોલીસને કર્યો સવાલ
સૈફ અલી ખાન પરના અટૅક વિશે પૂજા ભટ્ટે મુંબઈ પોલીસને સવાલ કરતાં કહ્યું હતું કે ‘મહેરબાની કરીને શું આ અરાજકતા પર અંકુશ મૂકી શકાય એમ નથી @MumbaiPolice @CPMumbaiPolice. અમને બાંદરા વિસ્તારમાં હજી વધારે પોલીસ સિક્યૉરિટીની જરૂર છે. અમને મુંબઈ પહેલાં ક્યારેય આટલું અસુરક્ષિત નહોતું લાગ્યું. કૃપા કરીને ધ્યાન આપો @ShelarAshish @mieknathshinde @AjitPawarSpeaks @Dev Fadnavis.
બાંદરા પહેલાં સલામત વિસ્તાર હતો : રવીના ટંડન
સૈફ અલી ખાન પર થયેલા અટૅકના સંદર્ભમાં ગઈ કાલે રવીના ટંડને કહ્યું હતું કે બાંદરા એક સલામત રેસિડેન્શિયલ વિસ્તાર હતો, પણ હવે અહીં ફેમસ સેલિબ્રિટી અને સૉફ્ટ ટાર્ગેટ જેવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. હવે આવી ઘટનાઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે. અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવતી કનડગત અને ઍક્સિડન્ટ સ્કૅમ તેમ જ હૉકર માફિયા, ઍન્ક્રૉચ કરનારાઓ, લૅન્ડ-માફિયા અને ક્રિમિનલનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાઇક પર ઝડપથી આવીને ફોન અને ચેઇન ઝૂંટવી લેનારાઓનો આતંક પ્રવર્તી રહ્યો છે. હવે ગુનાખોરીના મામલે કડક પગલાં લેવાની જરૂર છે. હું સૈફ ઝડપથી સાજો થઈ જાય એવી પ્રાર્થના કરું છું.