પતિ સૈફ પરના હુમલા વિશે કરીના કપૂરે કહ્યું...
કરીના કપૂર ખાન
સૈફ અલી ખાન પર અજાણ્યા યુવકે હુમલો કરવાની ઘટના બાદ પોલીસે તેની પત્ની કરીના કપૂરનું નિવેદન નોંધ્યું છે. કરીનાએ પોલીસને કહ્યું છે કે ‘ચોર ઘરમાં ઘૂસી આવ્યો હોવાનું જોઈને નર્સે બૂમાબૂમ કરી હતી. આથી હું અને સૈફ નર્સ હતી એ તરફ દોડીને ગયાં હતાં. નાનો પુત્ર જહાંગીર નર્સની પાસે જ હતો. આરોપીએ ચાકુનો ડર બતાવીને નર્સ પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં આરોપી જહાંગીર તરફ વળ્યો હતો ત્યારે તેને સૈફે રોક્યો હતો. સૈફને વચ્ચે આવેલો જોઈને યુવક ખૂબ આક્રમક થઈ ગયો હતો, તેણે સૈફ પર ઉપરાઉપરી અનેક વાર કર્યા હતા. જોકે ઘરમાં જ્વેલરી ખુલ્લી પડી હોવા છતાં તેણે હાથ નહોતો લગાડ્યો. હું આ ઘટનાથી ખૂબ ગભરાઈ ગઈ હતી એટલે સૈફને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી.’
બાંદરા પોલીસે કરીના કપૂરનું નિવેદન નોંધ્યા બાદ એવી ચર્ચા છે કે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસેલો યુવાન ચોરી કરવા નહીં પણ બીજા કોઈ ઇરાદે ઘૂસ્યો હોવાની શક્યતા છે. આથી પોલીસે હવે આ ઍન્ગલથી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.