સૈફ અલી ખાનના ઘરે મધરાત બાદ બે વાગ્યે શું બન્યું હતું એનો સિલસિલાબદ્ધ રિપોર્ટ : હુમલાખોર સૈફ અને કરીનાના નાના દીકરાના બાથરૂમમાં હતો ત્યારે જાગી ગયેલી કૅરટેકરે પોલીસને જણાવ્યો આખો ઘટનાક્રમ : આરોપી સૈફ-કરીનાના પુત્ર જહાંગીરની રૂમના બાથરૂમમાં બેઠો હતો
કૅરટેકર
કી હાઇલાઇટ્સ
- અટૅકરે માગ્યા ૧ કરોડ રૂપિયા, રિયલ હીરો બનીને સૈફે જીવના જોખમે ભગાવ્યો અને બધાને બચાવ્યા
- આરોપી ઘરની અંદર કેવી રીતે આવ્યો અને ભાગ્યો કેવી રીતે?
- પોલીસ કહે છે કે હુમલાખોરને પકડવા ૨૦ ટીમ બનાવી છે
હુમલા પછી કરીનાએ સૈફના દીકરા ઇબ્રાહિમને ફોન કરીને બોલાવ્યો, તે રિક્ષામાં પપ્પાને હૉસ્પિટલમાં લઈ ગયો : ચાર કલાકની સર્જરી પછી સૈફની કરોડરજ્જુની બાજુમાંથી હૅક્સો બ્લેડનો અઢી ઇંચનો ટુકડો કાઢવામાં આવ્યો
બાંદરા-વેસ્ટમાં આવેલા સદ્ગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટના ઇરાદાથી ઘૂસેલા આરોપીએ સૈફ અલી ખાન અને તેમની બે હાઉસ-હેલ્પને ઘાયલ કર્યાં હતાં. સૈફની તો સર્જરી કરવામાં આવી છે અને અત્યારે તે લીલાવતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે બન્ને હાઉસ-હેલ્પને થોડી ઘણી ઈજા થઈ હોવાથી સારવાર કરીને તેમને ઘરે મોકલી દેવામાં આવી છે.
ADVERTISEMENT
બુધવારે મધરાત બાદ થયેલા આ હુમલાની સૈફના નાના દીકરા જહાંગીરની કૅરટેકર ઇલિયામા ફિલિપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખર બુધવારે મધરાત બાદ સદ્ગુરુ શરણ બિલ્ડિંગના ૧૧મા માળે જહાંગીરની રૂમમાં શું બન્યું હતું એની માહિતી તેણે પોલીસને આપી હતી. ઇલિયામાએ પોલીસને આપેલું સ્ટેટમેન્ટ આ મુજબ છે ઃ
૧૫ જાન્યુઆરીની રાતે ૧૧ વાગ્યે જેહબાબા (જહાંગીર)ને જમાડ્યા બાદ મેં સુવડાવ્યો હતો. ત્યાર બાદ હું પણ તેમના બેડની બાજુમાં જમીન પર સૂઈ ગઈ હતી. રાત્રે બે વાગ્યે અવાજ સાંભળીને હું જાગી ગઈ હતી. મેં જોયું તો બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને એની લાઇટ પણ ચાલુ હતી. મને લાગ્યું કે કરીનામૅમ જેહબાબાને જોવા આવ્યાં હશે એટલે હું પાછી સૂવા માટે આડી પડી, પણ મને કંઈક અજુગતું લાગતાં હું ફરી જાગી ગઈ હતી. જોકે એ વખતે મને ટોપી પહેરેલી એક વ્યક્તિ બાથરૂમના દરવાજા પાસે ઊભેલી જોવા મળી હતી. હજી તો હું તે કોણ છે એ બરાબર જોવાની કોશિશ કરું એ પહેલાં જ તે જેહબાબાના પલંગ પાસે જવા માંડ્યો હતો. એ જોઈને હું એકદમ અલર્ટ થઈ ગઈ હતી અને જેહબાબાના બેડ તરફ ગઈ હતી, પણ એ માણસે પોતાના હોઠ પર આંગળી મૂકીને મને હિન્દીમાં કહ્યું કે આવાઝ નહીં. આ બધાને લીધે જુનુ (જહાંગીરની બીજી કૅરટેકર) પણ જાગી ગઈ હતી. પેલા માણસે તેને પણ ધમકી આપતાં કહ્યું કે કોઈ આવાઝ નહીં ઔર કોઈ બાહર ભી નહીં જાએગા.
હું જેહબાબાને મારી પાસે લેવા ગઈ કે તરત પેલો માણસ મારી તરફ ધસી આવ્યો. તેના એક હાથમાં લાકડાની કોઈક વસ્તુ હતી અને બીજા હાથમાં હૅક્સો બ્લેડ હતી. જેહબાબાને હું ત્યાંથી બચાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે તેણે મારા પર એ બ્લેડથી હુમલો કરવાની કોશિશ કરી હતી. જોકે મેં મારો હાથ વચ્ચે નાખી દેતાં મને હાબા હાથના કાંડા અને વચ્ચેની આંગળી પર ઈજા થઈ હતી. ત્યાર બાદ મેં તેને પૂછ્યું કે આપકો ક્યા ચાહિએ? તો તેણે મને કહ્યું કે પૈસા. એ સાંભળીને મેં તેને પૂછ્યું કે કેટલા રૂપિયા જોઈએ છે? તો તેણે મને ઇંગ્લિશમાં કહ્યું, વન કરોડ.
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે મોકો જોઈને જુનુ રૂમમાંથી બહાર નીકળીને બૂમાબૂમ કરવા માંડી હતી. તેનો અવાજ સાંભળીને સૈફ સર અને કરીનામૅમ અમારી રૂમમાં આવી ગયાં હતાં. ઘરમાં કોઈ ઘૂસી ગયું છે એ જોઈને સૈફ સરે પૂછ્યું કે કૌન હૈ? તને શું જોઈએ છે? એનો જવાબ આપવાને બદલે ઘરમાં ઘૂસી ગયેલા આ માણસે તેમના પર બ્લેડ અને લાકડા જેવી વસ્તુથી હુમલો કર્યો હતો. આ બધા વચ્ચે બાજુની રૂમમાંથી ગીતા (સૈફ-કરીનાના મોટા દીકરા તૈમુરની કૅરટેકર) અમારી રૂમમાં આવી હતી. હુમલાખોરે તેની સાથે પણ ઝઘડો કરીને હુમલો કર્યો હતો. જોકે કોઈ રીતે સૈફ સર આ હુમલાખોરને એક બાજુ ખસેડવામાં સફળ થયા હતા જેથી અમે લોકો બધા ભાગીને રૂમની બહાર આવી ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો.
ત્યાંથી અમે બધા દાદરા ચડીને ૧૨મા માળે ભાગી ગયા હતા. એટલી વારમાં તો સ્ટાફરૂમમાં સૂઈ રહેલા સ્ટાફ-મેમ્બર રમેશ, હરિ, રામુ અને પાસવાન મદદ માટે દોડી આવ્યા હતા. અમે જ્યારે તેમની સાથે રૂમમાં પાછા ગયા ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો અને હુમલાખોર દેખાતો નહોતો. આખા ઘરની ઝીણવટભરી તપાસ કર્યા બાદ પણ તે અમને ન મળ્યો. આ બધામાં સૈફ સરને કરોડરજ્જુ, છાતી, ડાબા હાથ, ગરદન, જમણા ખભા અને જાંઘ પર ઈજા થઈ હતી. ગીતાના જમણા કાંડા, કમર અને મોઢા પર ઈજા થઈ હતી.
એકેય ડ્રાઇવર ન હોવાથી દીકરો ઇબ્રાહિમ પપ્પા સૈફને રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયો
સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ કરીના કપૂરે તરત નજીક રહેતા સૈફના દીકરા ઇબ્રાહિમને ફોન કરીને બોલાવી લીધો હતો. ઇબ્રાહિમ તરત સદ્ગુરુ શરણ બિલ્ડિંગ પહોંચી ગયો હતો. જોકે એ સમયે એકેય ડ્રાઇવર હાજર ન હોવાથી કરીનાએ હાઉસ હેલ્પને રિક્ષા બોલાવવાનું કહ્યું હતું. ઇબ્રાહિમ સૈફને લિફ્ટમાં નીચે લઈ આવ્યો હતો. જોકે એ સમયે સૈફના શરીરમાંથી લોહી વહી રહ્યું હોવાથી તેને સાચવવો જરૂરી હોવાથી ઇબ્રાહિમે કાર ચલાવવાનું ટાળ્યું હતું. આમ પણ ગૅરેજમાં જઈને કાર કાઢવાનો સમય તે બગાડવા નહોતો માગતો. રિક્ષામાં તેઓ રાતે ૩ વાગ્યે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.
ચાર કલાકની સર્જરીમાં સૈફની કરોડરજ્જુમાંથી અઢી ઇંચનો હૅક્સૉ બ્લેડનો ટુકડો કાઢવામાં આવ્યો
હુમલાખોર સાથે થયેલી ઝપાઝપીમાં ઘાયલ થયેલા સૈફ અલી ખાનને બુધવારે રાતે ત્રણ વાગ્યે રિક્ષામાં બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં હાજર ડૉક્ટરોની ટીમે તરત ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી. સૈફ પર છરીના ૬ ઘા થયા હતા જેમાંથી કરોડરજ્જુની ઈજા ગંભીર હતી. એ સિવાય તેને છાતી, ડાબા હાથ, ગરદન, જમણા ખભા અને જાંઘ પર ઈજા થઈ હતી. સવારે પાંચ વાગ્યે શરૂ થયેલી સર્જરી ચાર કલાક બાદ ૯ વાગ્યે પૂરી થઈ હતી. સૈફની સર્જરી કરનારા ન્યુરોસર્જ્યન ડૉ. નીતિન ડાંગેએ કહ્યું હતું કે ‘સૈફની કરોડરજ્જુમાં હૅક્સૉ બ્લેડનો ટુકડો ફસાયો હતો. આ અઢી ઇંચનો ટુકડો સર્જરી દરમ્યાન કાઢવામાં આવ્યો હતો. એ સિવાય તેની કરોડરજ્જુમાંથી ફ્લુઇડ લીક થતું હોવાથી એને પણ રિપેર કરવામાં આવ્યું છે. બાકી ગરદન અને ડાબા હાથની ઈજા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ઑપરેશન બાદ તે એકદમ સ્ટેબલ હતો અને તેની રિકવરી બહુ સારી છે, ચિંતા કરવા જેવું કાંઈ નથી. એક દિવસ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખ્યા બાદ તેને બહાર શિફ્ટ કરવામાં આવશે. એના એક દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા આપવી કે નહીં એ નક્કી કરવામાં આવશે.’