પોલીસ આ બાબતે ચોક્કસ કંઈ કહી નથી રહી, પણ બાજુના બિલ્ડિંગની દીવાલ કૂદીને હુમલાખોર પાઇપ્સના શાફ્ટમાંથી ઉપર ચડીને સૈફના નાના દીકરા જહાંગીરના બાથરૂમમાં ઘૂસ્યો હતો અને ત્યાંથી જ અમુક માળ સુધી નીચે આવીને ત્યાર બાદ ફાયર એસ્કેપના દાદરાથી નીચે ઊતરી ભાગ્યો
કરીના કપૂર લીલાવતી હૉસ્પિટલમાં (તસવીર : અનુરાગ અહિરે)
સૈફ અલી ખાન અને તેમના દીકરાની કૅરટેકર્સ પર હુમલો કરનારો હુમલાખોર સદગુરુ શરણ બિલ્ડિંગના ૧૧માં માળ સુધી કઈ રીતે પહોંચ્યો એના વિશે પોલીસે હજી સુધી ફોડ પાડીને કંઈ કીધું નથી, પણ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આરોપી બાજુના બિલ્ડિંગની દીવાલ કૂદીને પાછળની બાજુએથી સદગુરુ શરણમાં એન્ટર થયો હોવો જોઈએ. બિલ્ડિંગમાં એન્ટર થયાના કોઈ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજ પોલીસના હાથ લાગ્યા નથી. એવું કહેવાય છે કે ત્યાંથી તે પાઇપ્સની સર્વિસિંગ માટેના શાફ્ટમાંથી ૧૧ માળ સુધી ઉપર ગયો હતો અને એ શાફ્ટમાંથી જ સૈફ અલી ખાનના પુત્ર જહાંગીરના બાથરૂમમાં ઘૂસ્યો હોવો જોઈએ. આ જ કારણસર તે કેટલા વાગ્યે ઘરમાં એન્ટર થયો હતો એનો ચોક્કસ સમય હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યો.
જોકે સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ રાત્રે ૨.૩૩ વાગ્યે ફાયર એસ્કેપ માટે બનાવવામાં આવેલા દાદરા પરથી તે પાછો જતો દેખાય છે. એવું માનવામાં આવે છે કે આરોપી અટૅક કરીને શાફ્ટમાંથી અમુક માળ સુધી નીચે ગયા બાદ દાદરથી નીચે ઊતરીને જે રસ્તેથી આવ્યો હતો એ જ રસ્તે ભાગી ગયો હોવાની પોલીસની ગણતરી છે.
ADVERTISEMENT
ગઈ કાલે ક્રાઇમ બ્રાન્ચ સાથે ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની ટીમ અને ડૉગ સ્ક્વૉડ પણ સૈફ-કરીનાના બિલ્ડિંગમાં તપાસ કરવા પહોંચી ગઈ હતી. પોલીસે તેમના ઘરના હાઉસ-હેલ્પનાં પણ સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. જોકે સૈફનું સ્ટેટમેન્ટ હજી નોંધવાનું બાકી છે. ઍન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયક આ કેસની તપાસ કરી રહ્યા છે. ગઈ કાલે તે પણ સૈફના બિલ્ડિંગમાં તપાસ કરતો જોવા મળ્યો હતો. એવું કહેવાય છે કે તેમની ટીમે આ કેસમાં એક જણની અટક પણ કરી છે. આરોપી સામે લૂંટના ઇરાદે કોઈને મારી નાખવાનો કે ગંભીર ઈજા પહોંચાડવાનો, જીવલેણ હથિયારથી લૂંટ ચલાવવાનો અને ઘરફોડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસનું શું કહેવું છે?
ઝોન નવના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) દીક્ષિત ગેડામે આ કેસ વિશે કહ્યું હતું કે ‘આરોપીને પકડવા માટે અમારી ડિટેક્શનની ૨૦ ટીમ કામ કરી રહી છે. લૂંટના ઇરાદે તે ઘરમાં ઘૂસ્યો હોવાનું અત્યાર સુધીની તપાસ પરથી જાણવા મળ્યું છે. અમે આરોપીને ઓળખી કાઢ્યો છે અને બહુ જ જલદી તેની ધરપકડ કરી લઈશું.’