મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે આ ઘટના વિશે કહ્યું હતું
ગઈ કાલે ફિલ્મ ‘ઇમર્જન્સી’ના શો પછી સૈફ અલી ખાન પરના અટૅક વિશે નિવેદન આપતા દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના વિરોધ પક્ષ સાથે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સૈફ અલી ખાન પર થયેલા હુમલાને રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી હોવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે આ ઘટના વિશે કહ્યું હતું કે ‘આખા દેશનાં શહેરોમાં મુંબઈ સૌથી સુરક્ષિત મેગા સિટી છે. એ ખરું છે કે ક્યારેક-ક્યારેય કેટલીક ઘટનાઓ બનતી હોય છે. એને ગંભીરતાથી લેવી પણ જોઈએ, પરંતુ એ ઘટનાને લીધે મુંબઈ અસુરક્ષિત છે એ કહેવું યોગ્ય ન કહેવાય, કારણ કે એને લીધે મુંબઈની ઇમેજ ખરાબ થાય છે. જોકે આમ છતાં મુંબઈને વધુ સુરક્ષિત બનાવવા માટે સરકાર જરૂર પ્રયત્ન કરશે.’
આ પહેલાં ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે પણ આ મુદ્દા પર રાજનીતિ નહીં કરવાની વિરોધ પક્ષોને અપીલ કરી હતી. શરદ પવારની પાર્ટીના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે સૈફ અલી ખાને પોતાના દીકરાનું નામ તૈમુર રાખ્યું હોવાથી કટ્ટરપંથીઓએ આ હુમલો કર્યો હશે. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હુમલાખોર તેમને મારી નાખવા માગતો હતો.’
ADVERTISEMENT
જોકે આની સામે યોગેશ કદમે કહ્યું હતું કે ‘આ કેસને કારણ વગર ધાર્મિક રંગ ન આપવો જોઈએ. તપાસ પૂરી થવા દો. કોઈએ પણ આ રીતે ડરનું વાતાવરણ નિર્માણ ન કરવું જોઈએ.’