સૈફ પર હુમલો કરવાના આરોપમાં પકડાયેલા યુવાનના પિતાએ બંગલાદેશથી ધડાકો કર્યો
સૈફ અલી ખાનના ઘરેથી સીડી ઊતરીને જતા આરોપીનું CCTV કૅમેરાનું ફુટેજ (ડાબે) તથા પોલીસે પકડેલો આરોપી.
સૈફ અલી ખાન પર થયેલા હુમલાને એક અઠવાડિયું થઈ ગયું છે અને પોલીસના કહેવા મુજબ આરોપી પણ પકડાઈ ગયો છે, છતાં આ ઘટનાને લઈને ચાલી રહેલી અટકળો અટકવાનું નામ નથી લઈ રહી.
શરૂઆતમાં તો આ ઘટના કઈ રીતે બની એને લઈને સસ્પેન્સ હતું. જોકે પોલીસે બંગલાદેશમાં રહેતા શરીફુલ ફકીરને થાણેમાંથી પકડ્યા બાદ આ કેસ સૉલ્વ કરવાનો દાવો કરવાની સાથે આરોપીની ધરપકડ કરનારી ટીમના સભ્યોનું બહુમાન પણ કર્યું હતું, પણ જ્યારથી આરોપીને પકડ્યા બાદનો ફોટો વાઇરલ થયો છે ત્યારથી બૉલીવુડ સહિત આમ આદમીમાં આ વાતને લઈને ચર્ચા ચાલી રહી છે કે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાતી વ્યક્તિ અને પોલીસે પકડેલી વ્યક્તિ બન્ને એક નથી, અલગ છે. બન્નેનો નાક-નકશો અલગ હોવાનો સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે એવામાં ગઈ કાલે શરીફુલ ફકીરના પપ્પાએ બંગલાદેશથી ફોન પર કહ્યું કે ‘પોલીસે જે વ્યક્તિને પકડી છે તે મારો પુત્ર છે, પણ CCTVમાં જે યુવક દેખાય છે એ મારો દીકરો નથી. બન્ને અલગ વ્યક્તિ છે.’
ADVERTISEMENT
બંગલાદેશથી શરીફુલ ફકીરના પપ્પા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા દીકરાને તમારી પોલીસે પકડ્યો છે. મેં બન્ને ફોટો ધ્યાનથી જોયા છે. હું મારા દીકરાને સારી રીતે ઓળખું છું. બન્ને ફોટોમાં ફરક છે. તમારો દેશ બહુ મોટો હોવાથી આરોપી જેવી દેખાતી વ્યક્તિ આરામથી મળી શકે. CCTVમાં જે વ્યક્તિ દેખાય છે તે મારો દીકરો નથી. તેણે જિંદગીમાં ક્યારેય કુસ્તી નથી કરી. તે કઈ રીતે કોઈના પર હુમલો કરી શકે?’
શરીફુલ ફકીરના આ ઇન્ટરવ્યુ બાદ હવે સૈફ અલી ખાન પર થયેલા હુમલાનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આરોપી પકડાવાથી લઈને સૈફની રિકવરી વિશે પણ જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે. આટલી ઈજા થવા છતાં પાંચ દિવસમાં તે કઈ રીતે ફિટ થઈ શકે?
જોકે પોલીસનું કહેવું એમ જ છે કે અમે જે આરોપીને પકડ્યો છે તેણે જ સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસનો સૌથી મોટો દારોમદાર ફિંગરપ્રિન્ટ છે. સૈફના ઘરેથી જે ૧૯ ફિંગરપ્રિન્ટના નમૂના ફૉરેન્સિક એક્સપર્ટ્સે લીધા છે એ શરીફુલ ફકીર સાથે મૅચ થઈ જશે તો તેણે જ આ ગુનો કર્યો હોવાનું પુરવાર કરવું પોલીસ માટે આસાન થઈ જશે.
પોલીસને પાંચ પ્રશ્ન
સૈફ એકદમ ફિટ હોવા છતાં પોલીસે આ કેસમાં હજી સુધી તેનું સ્ટેટમેન્ટ કેમ નથી નોંધ્યું?
સૈફનાં લોહીવાળાં કપડાં પોલીસે પોતાની કસ્ટડીમાં લીધાં છે કે નહીં?
ધરપકડ પહેલાં આરોપીએ બદલેલાં કપડાં ક્યાં છે?
આરોપીની ધરપકડ કઈ રીતે કરવામાં આવી એની સિલસિલાબદ્ધ માહિતી પોલીસે હજી સુધી કેમ સત્તાવાર રીતે જાહેર નથી કરી?
આરોપીએ હુમલામાં વાપરેલી છરી ક્યાંથી લીધી હતી?