૩૦ વર્ષનો બંગલાદેશી આરોપી વરલીના કોલીવાડામાં ૬ મહિનાથી અજય દાસ નામે રહેતો હતો : આરોપી પાસેથી ભારતના નાગરિક હોવાના કોઈ પુરાવા નથી મળ્યા
મુંબઈ-પોલીસ
બુધવારે મોડી રાતે બાંદરા-વેસ્ટમાં સતગુરુ શરણ સોસાયટીમાં આવેલા સૈફ અલી ખાનના ફ્લૅટમાં ઘૂસીને તેના પર ચાકુના ઉપરાઉપરી ઘા મારીને ઘાયલ કરનારા એક આરોપીને છત્તીસગઢના દુર્ગમાંથી તાબામાં લીધો હોવાનું શનિવારે બપોર બાદ કહેવામાં આવતું હતું. આ આરોપીને મુંબઈ લાવવા માટે પોલીસની ટીમ શનિવારે સાંજે છત્તીસગઢ પહોંચી ગઈ હતી. જોકે શંકાસ્પદ ચોરને મુંબઈ લાવવામાં આવે એ પહેલાં થાણેના હીરાનંદાની એસ્ટેટમાંથી સૈફના ઘરમાં ચોરી કરવા ઘૂસેલા અસલી આરોપીને મુંબઈ પોલીસે શનિવારે મોડી રાતે બે વાગ્યે થાણેમાંથી ઝડપી લીધો હતો. બાંદરામાં એક ઘરમાં ચોરી કરવાનો ગુનો કબૂલ્યા બાદ પોલીસે મૂળ બંગલાદેશના ૩૦ વર્ષના મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. આરોપી વરલીના કોલીવાડામાં ૬ મહિનાથી વિજય દાસ નામથી રહેતો હતો. પોલીસે પોતાને ઓળખી કાઢ્યો હોવાની જાણ થયા બાદ આરોપી બંગલાદેશ પલાયન થવાનો હતો. જોકે પોલીસે એ પહેલાં જ થાણેમાં લેબર કૅમ્પની પાછળ આવેલા જંગલની ઝાડીમાંથી તેને શોધી કાઢ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૨૪ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી. બુધવારે રાતે બે વાગ્યે આરોપીએ સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશીને હુમલો કર્યો હતો એના બરાબર ૭૨ કલાક બાદ ૨૦૦ પોલીસની ટીમે આરોપીને થાણેના જંગલમાંથી ઝડપી લીધો હતો.