કારણ કે તે પાછો બંગલાદેશ ભાગી જવાની ફિરાકમાં હતો અને એના માટે તેણે શહેરમાં અમુક લોકોનો સંપર્ક કર્યો હતો જે તેને પાછો મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા હતા
મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામ અને મુંબઈ પોલીસ
સામાન્ય રીતે કોઈ પણ આરોપી પોતાનું કામ કરીને મુંબઈ-પોલીસની પહોંચને ધ્યાનમાં રાખીને શહેર છોડી ભાગી જતો હોય છે. જોકે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલો મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામ ભાગી જવાને બદલે મુંબઈ અને થાણેમાં જ રહ્યો હતો. આરોપી કેમ પલાયન નહોતો થયો એ વિશે પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. એક પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ ‘ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજ વાઇરલ થયા બાદ આરોપી મોહમ્મદ શહજાદ ખૂબ જ ડરી ગયો હતો. પોલીસથી બચવા તે વરલી છોડીને એક જણની મદદથી થાણે પહોંચીને ત્યાં રહેવા લાગ્યો હતો અને તેણે મુંબઈ જ નહીં ભારતમાંથી બંગલાદેશ પલાયન થવા માટેનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ પકડી લેશે તો મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે એમ માનીને તેણે બંગલાદેશ પાછા જવાનો નિર્ણય લીધો હતો. પલાયન થવા માટે તેણે શહેરમાં અનેક લોકોનો સંપર્ક કર્યો હતો અને એકાદ-બે દિવસમાં તેને પાછો મોકલવાની વ્યવસ્થા થવાની હોવાથી તે ક્લિયરન્સની રાહ જોઈને બીજે ક્યાંય નહોતો ગયો. જોકે તે બંગલાદેશ માટે નીકળે એ પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
આરોપીને ખબર નહોતી કે તે સૈફ અલી ખાનના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો
સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામ સૈફના ઘરમાં ગયો હતો ત્યારે તેણે નર્સ ઇલિયામા ફિલિપ પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. આથી આરોપી ખંડણી માગવાને ઇરાદે જ સૈફના ઘરમાં ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે પોલીસે આરોપી મોહમ્મદ શહજાદની પૂછપરછ કરી છે એમાં જણાયું છે કે આરોપી માત્ર ચોરી કરવાને ઇરાદે જ આલીશાન સોસાયટી જોઈને ઘૂસ્યો હતો. મોહમ્મદ શહજાદને ખબર નહોતી કે તે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. ચોરી કરવા માટે ફ્લૅટમાં પ્રવેશ કર્યા બાદ રંગેહાથ ઝડપાઈ ગયો હતો એટલે તેણે પકડાઈ જવાના ડરથી બધા પર ચાકુથી હુમલો કર્યો હતો. ચોરી કરવા માટે ઘરમાં જતી વખતે આરોપીએ બૅગમાં ચાકુ, હથોડો, સ્ક્રૂ-ડ્રાઇવર અને નાયલૉનની દોરી સહિત કેટલોક સામાન સાથે રાખ્યો હતો.