પ્રધાનોના ફિક્સરોના મામલે દેવેન્દ્ર ફડણવીસનો આકરો મિજાજ, મિનિસ્ટરોના PA, PS અને OSDની નિમણૂક મુખ્ય પ્રધાને પોતાના હાથમાં રાખી હોવાથી શાસક યુતિના નેતાઓ નારાજ
મહાયુતિના નેતાઓ
મિનિસ્ટરોના PA, PS અને OSDની નિમણૂક મુખ્ય પ્રધાને પોતાના હાથમાં રાખી હોવાથી શાસક યુતિના નેતાઓ નારાજ : જોકે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફિક્સરોનાં નામ મેં રિજેક્ટ કર્યા છે અને તેમની નિયુક્તિ નહીં જ કરું
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહી છે એ વાત હવે જગજાહેર થઈ ગઈ છે ત્યારે રાજ્યના પ્રશાસન પર પોતાનો કન્ટ્રોલ રાખવા અને ઇમેજને કોઈ નુકસાન ન પહોંચે એના માટે દેવેન્દ્ર ફડણવીસે તમામ મિનિસ્ટરના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD), પ્રાઇવેટ સેક્રેટરી (PS) અને પર્સનલ અસિસ્ટન્ટ (PA)ની નિયુક્તિ પોતાના હાથમાં રાખી છે. આને લીધે મહાયુતિમાં નારાજગી જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટેએ કહ્યું હતું કે અમારા PSથી લઈને OSD સુધી બધાની નિયુક્તિ મુખ્ય પ્રધાન કરતા હોવાથી અમારા હાથમાં કંઈ રહ્યું નથી.
ADVERTISEMENT
એકનાથ શિંદેના નેતાઓએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. જોકે આ બાબતે મુખ્ય પ્રધાન કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. તેમણે કૃષિપ્રધાને કરેલા વિધાનના અનુસંધાનમાં કહ્યું હતું કે માણિકરાવ કોકાટેને એ વાતની કદાચ જાણ નહીં હોય કે મિનિસ્ટરના PS, PA કે OSDની નિયુક્તિ કરવાનો વિશેષાધિકાર મુખ્ય પ્રધાન પાસે હોય છે.
ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં તમામ મિનિસ્ટરો પાસે નામનાં સૂચન મગાવ્યાં હતાં. મારી પાસે ૧૨૫ નામ આવ્યાં હતાં જેમાંથી ૧૦૯ નામ મેં ક્લિયર કરી નાખ્યાં છે. બાકીનાં જે ૧૬ નામ છે એમાંથી અમુક ફિક્સર છે અને બાકીના અમુક ઑફિસરોની ઇમેજ ખરડાયેલી છે એટલે આ અધિકારીઓને હું નથી જ રાખવાનો. આના માટે જો કોઈને ખરાબ લાગતું હોય તો ભલે લાગે, પણ હું આ નહીં જ ચલાવું. જો આ ઑફિસરો સામે કોઈ પુરાવા મળશે તો તેમની સામે ઍક્શન લેવામાં આવશે.’
જે ૧૬ અધિકારીઓનાં નામ દેવેન્દ્ર ફડણવીસે રિજેક્ટ કર્યા છે એમાંથી ૧૩ એકનાથ શિંદે અને ત્રણ અજિત પવારની પાર્ટીના મિનિસ્ટરના હોવાનું કહેવાય છે. આ પહેલાં સરકાર બનાવ્યાના ગણતરીના દિવસોમાં જ મુખ્ય પ્રધાને મંત્રાલયમાં ફરતા ‘દલાલો’ની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

