RSSના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ વિદ્યાવિહારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ ઠાકરેને ન ગમે એવું સ્ટેટમેન્ટ કર્યું
વિદ્યાવિહારના કાર્યક્રમમાં ગઈ કાલે ભાષણ કરી રહેલા ભૈયાજી જોશી.
ભારતની પરંપરાગત રમત માટે એક અલાયદા મેદાનના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે વિદ્યાવિહારમાં રાખ્યું હતું. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે ‘ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દેશના ખૂણેખૂણેથી લોકો આવે છે. અહીં આવીને વસે છે, અહીં રૂપિયા કમાય છે અને કર્મભૂમિ તરીકે મુંબઈ પર ગર્વ કરે છે. મુંબઈ આવ્યા બાદ અનેક લોકો મહારાષ્ટ્ર અને મુંબઈની માતૃભાષા મરાઠી શીખે છે, મરાઠીમાં વાતચીત કરે છે. જોકે કેટલાક લોકો મરાઠીને બદલે હિન્દી કે તેમની માતૃભાષામાં વાતચીત કરે છે, જ્યારે કેટલાક લોકો જાણીજોઈને મરાઠી ભાષા બોલવાનું ટાળે છે. મુંબઈમાં વિવિધ રાજ્ય, પ્રાંત અને ભાષા બોલનારા લોકો વસે છે. મુંબઈમાં અનેક ભાષા છે અને ઘાટકોપરની ભાષા ગુજરાતી છે. આથી મુંબઈમાં આવનારી વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જ જોઈએ એવું નથી.’



