વેસ્ટર્ન રેલવેમાં લાંબા અંતરની ટ્રેનમાં ભુલાઈ ગયેલી ૧૫.૮૩ લાખ રૂપિયાના દાગીનાની બૅગ રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF)ના ઑફિસરોને મળી આવતાં તેમણે એ બૅગ એના મૂળ માલિકને પાછી સોંપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
RPFએ ટ્રેનમાંથી મળેલી બૅગ ચેક કરતાં એમાંથી મોબાઇલ, કપડાં અને સોનાના દાગીના મળી આવ્યાં હતાં.
વેસ્ટર્ન રેલવેમાં લાંબા અંતરની ટ્રેનમાં ભુલાઈ ગયેલી ૧૫.૮૩ લાખ રૂપિયાના દાગીનાની બૅગ રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF)ના ઑફિસરોને મળી આવતાં તેમણે એ બૅગ એના મૂળ માલિકને પાછી સોંપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કોલાબામાં રહેતા શૈલેષ માળી રવિવારે તેમના પરિવાર સાથે જોધપુરથી સૂર્યનગરી એક્સપ્રેસમાં બાંદરા ટર્મિનસ આવી પહોંચ્યા હતા. તેમની સાથે તેમનાં બે બાળકો અને ઘણો બધો સામાન હતો. તેઓ તેમની એક દાગીનાની અને અન્ય સામાન સાથેની બૅગ ટ્રેનમાં જ ભૂલી ગયા હતા. RPFના ઑફિસર યોગેશકુમાર જાની અને કૉન્સ્ટેબલ હનુમાન પ્રસાદ ચૌધરીએ જ્યારે ટ્રેનની ચકાસણી કરી ત્યારે તેમને એ નધણિયાતી બૅગ સીટની નીચેથી મળી આવી હતી. એ બૅગ તેઓ ઑફિસમાં લઈ આવ્યા હતા અને અન્ય સ્ટાફની હાજરીમાં એ ખોલીને જોતાં એમાંથી મોબાઇલ ફોન, કપડાં અને સાથે રાખવામાં આવેલી એક પ્લાસ્ટિકની બૅગમાં સોનાના દાગીના હોવાનું જણાઈ આવ્યું હતું. એથી એ બૅગના સામાનની નોંધ કરવામાં આવી હતી. એ પછી શૈલેષ માળી બાંદરા ટર્મિનસ પાછા આવ્યા હતા અને બૅગ વિશે પૂછપરછ કરી હતી. RPFએ એ બૅગમાં શું-શું હતું એ પૂછીને ખાતરી કરી કે એ બૅગ તેમની જ છે. સાથે જ તેમણે એક ચોક્કસ કોચમાં પરિવાર સાથે પ્રવાસ કર્યો હોવાનું પણ જણાવ્યા બાદ તેમને એ ૧૫.૮૩ લાખ રૂપિયાના દાગીનાની બૅગ પાછી સોંપવામાં આવી હતી. એ બૅગ પાછી મળતાં શૈલેષ માળીએ RPFના જવાનોનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.



