બરં ઝાલં, સૂર્યાચા હાતાત કૅચ બસલા, નાહીતર ત્યાલા ઘરી બસવલં અસતં- મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમને ૧૧ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી
રોહિત શર્મા
T20 વર્લ્ડ કપમાં વિજય મેળવનારી ભારતીય ક્રિકેટ ટીમનો કૅપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જાયસવાલ મુંબઈના છે એટલે તેમનું ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં અને એ પછી વિધાનભવનમાં સન્માન કરીને એક-એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં આયોજિત આ કાર્યક્રમમાં રોહિત શર્માએ મરાઠીમાં ભાષણ કર્યું હતું. તેણે મશ્કરીમાં કહ્યું હતું કે ‘બરં ઝાલં, સૂર્યાચા હાતાત કૅચ બસલા, નાહીતર ત્યાલા ઘરી બસવલં અસતં.’ આ સાંભળીને સેન્ટ્રલ હૉલમાં હાજર લોકો હસી પડ્યા હતા. રોહિત શર્માએ કહ્યું હતું કે સૂર્યકુમારે કૅચ ન પકડ્યો હોત તો તેને ઘરે બેસાડી દીધો હોત.
રોહિત શર્માએ શું કહ્યું?
ADVERTISEMENT
અહીં બોલાવવા બદલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આભાર. અમારા માટે આવો કાર્યક્રમ યોજ્યો એ માટે પણ આભાર. ગઈ કાલે મુંબઈમાં જે જોયું એ સપનું હતું. વર્લ્ડ કપ જીતવાનું અમારું સપનું હતું. ૨૦૨૩માં કપ જીતવાની તક સહેજમાં રહી ગઈ. સૂર્યા, દુબે કે મારે કારણે આ શક્ય નથી બન્યું. દરેક મૅચનો નાયક જુદો હોય છે. ફાઇનલ મૅચનો નાયક સૂર્યકુમાર હતો. બરં ઝાલં, સૂર્યાચા હાતાત કૅચ બસલા, નાહીતર ત્યાલા ઘરી બસવલં અસતં. બધાનો ખૂબ-ખૂબ આભાર.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
અહીં આવીને બધાને મળીને ખૂબ સારું લાગ્યું. આ પ્રસંગ હું ક્યારેય નહીં ભૂલું. બધાનો ખૂબ આભાર. મારી પાસે અત્યારે બોલવા માટે શબ્દો નથી. મોટી સંખ્યામાં લોકો વિક્ટરી પરેડમાં પહોંચ્યા હતા ત્યારે તેમને મુંબઈ પોલીસે સરસ રીતે નિયંત્રિત કર્યા. એ માટે અભિનંદન. આપણે વધુ એક વર્લ્ડ કપ આપણા નામે કરીશું. છેલ્લી ઓવરમાં કૅચ હાથમાં બેસી ગયો હતો એટલે આ કપ આપણા હાથમાં આવ્યો.
એકનાથ શિંદેએ શું કહ્યું?
સૂર્યકુમાર યાદવે પકડેલો કૅચ જેમ આપણે ભૂલી નહીં શકીએ એવી જ રીતે બે વર્ષ પહેલાં અમે લીધેલી વિકેટ ભૂલી નહીં શકાય. અમારી ૫૦ જણની ટીમ બે વર્ષથી જોરદાર બૅટિંગ કરી રહી છે. વર્લ્ડ કપમાં વિજય મેળવનારી ટીમમાં મુંબઈમાં ચાર ખેલાડી સામેલ હતા એનો ગર્વ છે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ પણ મહારાષ્ટ્રના જમાઈ છે એનો પણ ગર્વ છે. હું ક્રિકેટની મૅચ જોઉં છું એમ કહું તો કોઈને વિશ્વાસ નહીં થાય, પણ મેં વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોઈ હતી. સુનીલ વાડકરનું એક મરાઠી ગીત આજે યાદ આવે છે : ‘હે જીવન મ્હણજે ક્રિકેટ રાજા, હુકલા તો સંપલા.’ કારણ એ કૅચ જો છૂટી ગયો હોત તો શું થાત? અમિતાભ બચ્ચનનો એક ડાયલૉગ છે, ‘એક હી મારા લેકિન સૉલિડ મારા.’ સૂર્યકુમારે એક કૅચ પકડ્યો, પણ સૉલિડ પકડ્યો. સૂર્યાનો એ કૅચ યાદ આવે ત્યારે ડેવિડ મિલર ઊંઘમાં પણ ઝબકીને જાગી જતો હશે.’
કૅપ્ટન એકનાથ શિંદે, વાઇસ કૅપ્ટન અજિત પવાર : દેવેન્દ્ર ફડણવીસ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આપણા મહારાષ્ટ્ર સરકારના કૅપ્ટન એકનાથ શિંદે, વિધાનસભામાં આપણા અમ્પાયર રાહુલ નાર્વેકર, વાઇસ કૅપ્ટન અજિત પવાર, થર્ડ અમ્પાયર નહીં પણ બીજા અમ્પાયર નીલમ ગોર્હે અને વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેને આપણે શું કહીશું? કૅપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જાયસવાલની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આજે આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે. જે અપરાજિત ટીમે T20 વર્લ્ડ મેળવ્યો એ ટીમના ચાર પ્લેયરનું સન્માન કરવાની તક આપણને મળી. રોહિત શર્માએ કપ જીતીને આપણને ખુશી આપી છે, પરંતુ નિવૃત્તિ જાહેર કરીને દુઃખ પણ પહોંચાડ્યું છે.
જિંકલ્યાવર ઉદો ઉદો કરતાત, હારલ્યા નંતર દગડ મારનાર : અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. સૂર્યકુમારે જે રીતે કૅચ પકડ્યો એને લીધે આજે આપણે અહીં સન્માન કરી રહ્યા છીએ. એ કૅચ વખતે આખા ભારતની નજર સૂર્યા પર હતી.’
મરાઠીમાં અજિત પવારે આગળ કહ્યું હતું કે ‘આમચે લોક ફાર વેડે આહેત. જિંકલ્યાવર ઉદો ઉદો કરતાત, હરલ્યા નંતર દગડ મારાયલા કમી નાહી કરત. એટલે કે આપણે જ્યારે વિજય મેળવીએ છીએ ત્યારે લોકો ખભે બેસાડે છે, પણ નિષ્ફળ જઈએ છીએ ત્યારે આ જ લોકો પથ્થર મારે છે. સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને ઊંચાઈએ પહોંચાડ્યું છે.’
ટીમને ૧૧ કરોડનું ઇનામ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કર્યું હતું કે મુંબઈના ચાર ક્રિકેટરને એક-એક કરોડ રૂપિયાના ઇનામ ઉપરાંત વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમને રાજ્ય સરકાર દ્વારા ૧૧ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.