સ્કૂટર પરથી પડી ગયેલા મનોજ સોનાઘેલાનો અકસ્માત વધારે સ્પીડને કારણે થયો હોવાનો કેસ વિક્રોલી પોલીસે નોંધ્યો, પણ તેમના પુત્રનું કહેવું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સ્કૂટરની સ્પીડ ૪૦થી પણ ઓછી હોવાથી પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે
મનોજ સોનાઘેલા
મુલુંડ-વેસ્ટમાં વીણાનગર ફેઝ-ટૂમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના ૬૨ વર્ષના મનોજ સોનાઘેલા (ઠક્કર)નું શુક્રવારે સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી નજીક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે વિક્રોલી પોલીસે મનોજભાઈ સામે જ ઓવરસ્પીડિંગનો ગુનો નોંધ્યો અને તેમનું અવસાન થયું હોવાથી કેસ બંધ પણ કરી દીધો છે, પણ મનોજભાઈના પુત્રએ આ ખોટી ફરિયાદ નોંધવામાં આવી હોવાનો દાવો કરીને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અને વિક્રોલી પોલીસને પત્ર લખીને આ ઘટનાની ફરીથી તપાસ કરવાની માગણી કરી છે.
ક્લિયરિંગ ઍન્ડ ફૉર્વર્ડિંગ એજન્ટ મનોજભાઈ શુક્રવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ સ્કૂટર પર ગોવંડી પોતાની ઑફિસ જઈ રહ્યા હતા ત્યારે ઉપવાસને કારણે અશક્તિને લીધે સ્કૂટર ચલાવતી વખતે તેમને ચક્કર આવી ગયાં હતાં.
ADVERTISEMENT
મારી માહિતી મુજબ જે સમયે પપ્પાનો અકસ્માત થયો એ સમયે પપ્પાના સ્કૂટરની સ્પીડ ૪૦ કરતાં પણ ઓછી હતી એમ જણાવતાં મનોજભાઈના પુત્ર નૈતિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા વર્ષોથી નવરાત્રિમાં ઉપવાસ રાખતા હોય છે. આ વર્ષે પણ તેમણે માત્ર પાણી પર ઉપવાસ રાખ્યા હતા. શુક્રવારે સવારે તેઓ ઘરેથી ગોવંડી ઑફિસ જવા માટે નીકળ્યા હતા ત્યાર પછી પોણાબારે અમને અજાણ્યા યુવાને ફોન કરી જાણ કરી હતી કે પપ્પાનો અકસ્માત થયો છે અને તેમને ગોદરેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પપ્પાને હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે પપ્પાના શરીરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું હતું. ઉપરાંત અકસ્માતમાં તેમના મોઢા અને નાકમાંથી વધારે પ્રમાણમાં લોહી વહી જતાં મૃત્યુ થયું હતું.’
વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત નાયકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમુક લોકોનાં સ્ટેટમેન્ટ નોંધ્યા બાદ એમાં મરનારની ભૂલ સામે આવતાં ફરિયાદ નોંધી છે એમ છતાં ફરી વાર આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.’