પ્રવાસીઓ પરેશાન થયા : બોટ ફસાઈ જતાં લગભગ એક કલાક સુધી એને હટાવવાના પ્રયાસો કરાયા
વસઈ-ભાઈંદર રો-રો સર્વિસની બોટ જેટી સાથે અથડાતાં અટવાઈ ગઈ હતી.
છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ થયેલી રો-રો સર્વિસ ગઈ કાલે બપોરે વસઈની જેટી પાસે અથડાઈ હતી અને ત્યાર બાદ એ જ જગ્યા પર ફસાઈ ગઈ હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વસઈ-ભાઈંદર વિસ્તારના નાગરિકોને ટ્રાફિકથી બચાવવા અને સમય બચાવવાની સુવિધારૂપે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડે મંગળવારથી પ્રાયોગિક ધોરણે વસઈ-ભાઈંદર વચ્ચે રો-રો સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ શરૂ થયાને પાંચેક દિવસ થયા છે. આ સર્વિસ સવારે સાત વાગ્યાથી સાંજના સાડાસાત વચ્ચે લોકોને પૂરી પાડવામાં આવે છે. શનિવારે એટલે ગઈ કાલે ફેરી સર્વિસ રાબેતા મુજબ ચાલી રહી હતી, પરંતુ બપોરે વસઈની જેટી પર બોટ વસઈથી ભાઈંદર માટે રવાના થઈ ત્યારે એ થોડા અંતરે અટકી ગઈ હતી. એમાં પંચાવન જેટલા મુસાફરો હતા. જોકે લગભગ એક કલાક પછી એને પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. અચાનક બોટ જેટી સાથે અથડાઈ હતી અને એમાં બેસેલા મુસાફરોને જોરદાર ધક્કો લાગ્યો હતો.
દરમિયાન સમુદ્રમાં લો ટાઇડ હોવાથી બોટ જગ્યા પર જ અટવાઈને રહી ગઈ હતી. લગભગ એક કલાક સુધી બોટને હટાવવા માટે પ્રયાસો કરાયા હતા. અંતે અન્ય બોટોને દોરડું બાંધીને રો-રો બોટને આગળ ખેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એ સમયે બે વખત તો દોરડું તૂટી ગયું હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે મુસાફરો થોડા સમય માટે તો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. આવી ઘટના ફરી ન બને એની તકેદારી રાખવા માટે પ્રવાસીઓએ માગણી પણ કરી હતી.