દવાની દુકાનવાળાઓનું કહેવું છે કે આવાં ઘણાં બધાં નાટક થયાં, પરંતુ આજે પણ કાયદાનો જરાય અમલ નથી થતો. આ ડ્રાઇવ કેટલી સફળ રહેશે એ તો આવનારો સમય જ કહેશે, પણ તેઓ કેવી રીતે લોકોને ૨૦થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ ઑફર કરે છે એના પર ધ્યાન આપવાની સાથે આ બિઝનેસ પર..
ઈ-ફાર્મસી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશને ગુરુવારે ઑનલાઇન ફાર્મસીઓના સ્થાનિક એકમોમાં સ્ટૉકિંગ સાઇટ્સ અને પ્રિસ્ક્રિપ્શનના રેકૉર્ડનું નિરીક્ષણ કરવા માટે એક ડ્રાઇવ શરૂ કરી હતી. આ ડ્રાઇવ તેમણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશને ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટની જોગવાઈઓના કથિત ઉલ્લંઘન અંગે ઈ-ફાર્મસીઓને કારણદર્શક નોટિસ જારી કર્યાના બે દિવસ બાદ શરૂ કરી હતી. જોકે આ ડ્રાઇવ કેટલી સફળ રહેશે એ તો આવનારો સમય જ કહી શકશે એમ જણાવતાં રીટેલર કેમિસ્ટો કહે છે કે આવાં નાટક તો ઘણી વાર થયાં, પણ કાયદાનું અમલીકરણ આજે પણ થતું નથી. આથી જ ધ મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશન અને ધ ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટસ ઍન્ડ ડ્રગિસ્ટ્સ દ્વારા ઈ-ફાર્મસીનો સખત વિરોધ કરીને ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી ‘ગલી સે દિલ્હી તક હલ્લા બોલ’નો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જોકે હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર મિનિસ્ટર મનસુખ માંડવિયાએ આ બંને અસોસિએશનના પદાધિકારીઓ સાથે મીટિંગ કરીને સરકાર તરફથી ઈ-ફાર્મસી સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. એને પગલે સફાળા જાગેલા કેન્દ્ર સરકારના ડિરેક્ટરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશને બુધવારે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટની જોગવાઈઓના કથિત ઉલ્લંઘન માટે ઈ-ફાર્મસીઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી.
ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સે ઑનલાઇન ફાર્મસીઓની અનેક બિઝનેસ પ્રૅક્ટિસને ગેરકાયદે કહીને ઘણા સમયથી સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. કોર્ટમાં પણ લડી રહ્યા છે. કોર્ટ ૨૦૧૨થી ઑનલાઇન બિઝનેસની સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરી રહી છે. વિવિધ કોર્ટના આદેશ પછી પણ દેશમાં ઑનલાઇન ફાર્મસી પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવતી ન હોવાથી સંગઠને એક મહિનો દેશભરમાં આંદોલન કરવાની યોજના બનાવી હતી આ અઠવાડિયાની શરૂઆતમાં રસાયણશાસ્ત્રીઓની સંસ્થા તેમની ચિંતાઓ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય એફડીએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ય અધિકારીઓને પણ મળી હતી. આ બેઠકને પગલે એફડીએએ ઑનલાઇન ફાર્મસી કંપનીઓને શોકૉઝ નોટિસો પાઠવી છે.
ADVERTISEMENT
આ નોટિસોમાં ખાસ કરીને ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ હેઠળ શેડ્યુલ એચ, એચ૧ અને એક્સ હેઠળ આવતી દવાઓના વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ફક્ત રીટેલર દ્વારા જ રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનરના માન્ય પ્રિસ્ક્રિપ્શન હેઠળ દવા વેચવાની મંજૂરી છે અને રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટની દેખરેખ હેઠળ પૂરી પાડવામાં આવે છે.
જોકે અનેક કોર્ટના આદેશ પછી પણ ઈ-ફાર્મસી પર સરકાર તરફથી કોઈ જ પ્રકારનાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં નથી. અમારા તરફથી સેંકડો મીટિંગ કરીને સરકારને આ મુદ્દે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવ્યા પછી પણ સરકાર ઈ-ફાર્મસી પ્રત્યે કૂણું વલણ કેમ અપનાવી રહી છે એ અમારી સમજણની બહાર છે એમ જણાવીને ધી ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સના અધ્યક્ષ જે. એસ. શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ફક્ત ફાર્મસીનો મુદ્દો નથી. આ સમગ્ર આમજનતાને સ્પર્શે એવો મુદ્દો છે. ઈ-ફાર્મસી અનેક કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. આથી જ દેશભરનાં અનેક રાજ્યોની કોર્ટ દ્વારા આ બિઝનેસ સિસ્ટમ પર સરકારને ધ્યાન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ છતાં ઈ-ફાર્મસી દ્વારા આમજનતાને આપવામાં આવતી લોભામણી ઑફરો અટકતી નથી. રીટેલ કેમિસ્ટો દવામાં ૧૬થી ૨૦ ટકાના માર્જિન પર બિઝનેસ કરે છે. એવા સમયે ઈ-ફાર્મસી કેવી રીતે આમજનતાને ૨૦થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ ઑફર કરે છે એના પર સરકારે લક્ષ આપવાની અને આ બિઝનેસ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.’
અમે અનેક વાર સરકારનું આ મુદ્દે ધ્યાન દોર્યું હોવા છતાં સરકાર કોઈ પણ કાર્યવાહી કરતી જ નથી એમ જણાવતાં મહારાષ્ટ્ર સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર નીતિન મણિયારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈ-ફાર્મસી ડ્રગ્સ પ્રાઇઝ કન્ટોલ ઑર્ડર-૨૦૧૩, ધ ફાર્મસી ઍક્ટ ૧૯૪૮ જેવા અનેક કાયદાઓનો ભંગ કરે છે. આમ છતાં આપણા દેશમાં ઑનલાઇન બિઝનેસ કોઈ પણ જાતના નિયંત્રણ વગર ચાલી રહ્યો છે. સરકારે આને ફક્ત ફાર્મસીની નજરે નહીં પણ હેલ્થકૅરની નજરે જોવાની જરૂર છે. ઈ-ફાર્મસી સમગ્ર જનતાની હેલ્થકૅર સામે લાલ બત્તી છે. આમ છતાં સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી જ અમે ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી ‘ગલી સે દિલ્હી તક હલ્લા બોલ’નો કાર્યક્રમ જાહેર કર્યો હતો. અત્યારે દેશના આરોગ્યપ્રધાને અમને આશ્વાસન આપીને શાંત કરી દીધા છે. જોકે અમે દેશની આમજનતાને આ મુદ્દે જાગરૂક કરવા કટિબદ્ધ છીએ.
નીતિન મણિયારે વધુમાં કહ્યું હતું કે ‘એક પ્રિસ્ક્રિપ્શન સરળતાથી બહુવિધ સાઇટ્સ પર મૂકી શકાય છે. આ આદત દવાઓની વાત આવે ત્યારે ચિંતાજનક છે. ઈ-ફાર્મસીમાં પણ એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ માત્ર એક જ વાર થઈ શકે એ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે. જોકે સરકાર અમારી આ વાતને પણ ગંભીરતાથી લેતી નથી અને ઈ-ફાર્મસી પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.’
ઑનલાઇન ફાર્મસી ઇન્ટરનેટ કે બીજા ઇલેક્ટ્રૉનિક્સ પ્લૅટફૉર્મથી ચાલી રહી છે અને એનાથી ડ્રગ્સની ગુણવત્તા અને પબ્લિક હેલ્થ પર જોખમ રહેલું છે એમ જણાવીને ૬,૫૦૦ રીટેલરોના બનેલા રીટેલ ઍન્ડ ડિસ્પેન્સિંગ અસોસિએશનના જૉઇન્ટ ટ્રેઝરર દીપક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન ફાર્મસી બિઝેનસથી ત્રણ કરોડ રીટેલ દુકાનોના કર્મચારીઓ અને પરિવારો પર ઘેરી અસર પડી છે. અમારી સૌથી મોટી ચિંતા ઑનલાઇન ફાર્મસીઓ દ્વારા ઑફર કરવામાં આવતા આક્રમક ડિસ્કાઉન્ટ અંગે છે. કૉમ્પિટિશન ઍક્ટમાં બજારમાંથી હરીફાઈને દૂર કરવાના ઇરાદા સાથે ખૂબ જ ઓછી કિંમતના માલસામાનને રોકવાની જોગવાઈ છે, જે ઈ-ફાર્મસીઓ કરી રહી છે. એને કારણે અમે કેમિસ્ટો બેકારી તરફ જઈ રહ્યા છીએ. આમ છતાં સરકાર કેમ ઍક્શન લેતી નથી એ ખબર પડતી નથી.’
દીપક છેડાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટરોથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી ઈ-ફાર્મસીથી આમજનતાની હેલ્થકૅરને થઈ રહેલા નુકસાનથી લઈને રીટેલરોની બેરોજગારી સુધીની જાણકારી આપી છે. આમ છતાં આજ સુધી સરકાર તરફથી કોઈ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. દિનપ્રતિદિન ઈ-ફાર્મસીનો બિઝનેસ વિકસી રહ્યો છે. અમે સરકાર તરફથી ૮ ફેબ્રુઆરીએ મૂકવામાં આવેલા પ્રતિબંધોને આવકાર આપીએ છીએ, પણ આ પ્રતિબંધો અમલમાં મુકાશે કે નહીં એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. અત્યારે તો કોર્ટના આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી.’