૪૧ સોસાયટીઓમાં રહેતા હજારો લોકોની સહીવાળા પત્રો સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા, નિવેડો ન આવે તો રસ્તા પર ઊતરવાની ચીમકી આપી
રવિવારે લોઢા સ્પ્લેન્ડોરા કૉમ્પ્લેક્સમાં થયેલી સહીઝુંબેશ.
થાણે-ઘોડબંદર રોડ પર પ્રશાસનની બેદરકારીને કારણે દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે રવિવારે સહીઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઘોડબંદર રોડ પરની આશરે ૪૧ સોસાયટીઓમાં રહેતા હજારો લોકોએ સહી કરી હતી એટલું જ નહીં, #JusticeForGhodbunderRoad ના નામે સોશ્યલ મીડિયા પર પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનના પ્રતિનિધિઓએ બુધવારે થાણેના પોલીસ કમિશનર અને થાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને મળીને સહીઝુંબેશના પત્રો આપીને ઘોડંબદર રોડ પરનો ટ્રાફિક વહેલી તકે હળવો કરવા વિનંતી કરી હતી. જો આવતા દિવસોમાં અહીંના ટ્રાફિકનો કોઈ ઉપાય કરવામાં નહીં આવે તો અમે રોડ પર આવીને પ્રોટેસ્ટ કરીશું એમ અહીં રહેતા લોકોએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઘોડબંદર રોડના ટ્રાફિક સામેની ઝુંબેશના પ્રતિનિધિઓ થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુમ્બરે સાથે.
રવિવારે હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં થયેલી સહીઝુંબેશ.
ઘોડબંદર રોડના ટ્રાફિક સામેની ઝુંબેશના પ્રતિનિધિઓ થાણેના ટ્રાફિક વિભાગનો ચાર્જ સંભાળતા સચિન ગોરે સાથે.
ટ્રાફિક, MMRDA, TMC ઉપરાંત મેટ્રો વિભાગના સિનિયર નેતાઓએ અહીંનાં જે કામ ચાલુ છે એ પ્લાનિંગથી કર્યાં હોત તો આજે ઘોડબંદર પર આટલા મોટા પ્રમાણમાં ટ્રાફિક ન થાત એમ જણાવતાં આ ઝુંબેશનું પ્રતિનિધિત્વ કરતાં શ્રદ્ધા રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડની બન્ને બાજુએ લાખોની સંખ્યામાં નાગરિકો રહે છે. પ્રશાસન અમારા માટે કેમ ક્યારેય કંઈ વિચારતું નથી એવા સવાલ અનેક વાર થતા હોય છે. ઘોડબંદર રોડ પર એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને બીજુ બાજુએ MMRDAએ રોડ-વાઇડનિંગનું કામ હાથ ધર્યું છે. આ ઉપરાંત રોડ પર પડેલા ખાડાથી અમે તોબા પોકારી ગયા છીએ. ટ્રાફિક વિભાગ પણ અહીં માત્ર શોભાનું પૂતળું હોય એમ કામ કરે છે. આ તમામ વિભાગની બેદરકારીની સજા અમારા જેવા લોકો ભોગવી રહ્યા છે. મેં સોશ્યલ મીડિયા પર #JusticeForGhodbunderRoad નામની એક ડ્રાઇવની શરૂઆત કરી હતી જેમાં હજારો લોકો જોડાઈ ગયા છે. રવિવારે અમે સહીઝુંબેશનું આયોજન કર્યું હતું. એમાં પણ ૪૧ સોસાયટીમાં રહેતા લોકો અમારી સાથે જોડાયા હતા. જો અધિકારીઓ અમારી સમસ્યાનો નિવેડો લાવવામાં અસફળ રહ્યા તો અમે બધા ઘોડબંદરવાસીઓ બીજી સપ્ટેમ્બરે આંનદનગર ખાતે પ્રોટેસ્ટ કરીશું.’