મકાન ડેન્જરસ હોવાથી એ ખાલી કરાવવાનું મ્હાડાએ શરૂ કર્યું હોવાથી રહેવાસીઓને પોતાની ઘરવખરી પણ લેવા નથી મળી રહી
બિલ્ડિંગનું ડિમોલિશનનું કામ ચાલુ હોવાથી સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો બ્લૉક કરવામાં આવ્યો છે.
ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર સ્લેટર રોડ પર આવેલા રુબિનિસ્સા મંઝિલ નામના બિલ્ડિંગનો ત્રણ બાલ્કનીનો ભાગ શનિવારે વરસાદમાં તૂટી પડ્યો હતો. એ તૂટી પડવાની દુર્ઘટના પછી આ બિલ્ડિંગના ભાડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ ગઈ છે. શનિવારે બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યા પછી અહીં રહેતા લોકોએ ઘરની સાથે તેમનો કીમતી માલસામાન, ઘરવખરી અને કેટલાક લોકોને વાહનોને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આ દુર્ઘટનામાં ૮૦ વર્ષનાં પારસી સિનિયર સિટિઝન મહિલા મૃત્યુ પામ્યાં હતાં અને અન્ય ચાર લોકો જખમી થયા હતા. આ બિલ્ડિંગનો બાકીનો જર્જરિત ભાગ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા) દ્વારા તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. એ દરમ્યાન ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો સુરક્ષાની દૃષ્ટિએ થોડા દિવસ બંધ રાખવામાં આવ્યો છે.