ગયા વર્ષે ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં સૌથી વધુ ૧૧૪.૭ ડેસિબલ અવાજ નોંધાયો હતો
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં ગણેશોત્સવ દરમ્યાન અને ખાસ તો વિસર્જન વખતે ડિસ્ક જૉકી (DJ) દ્વારા લાઉડ મ્યુઝિક વગાડવામાં આવતું હોય છે. એ લાઉડ મ્યુઝિકને કારણે નૉઇઝ પૉલ્યુશન થતું હોવાથી અને લોકોને પણ એ નુકસાનકર્તા હોવાથી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નવા નિર્દેશ આપીને પુણેમાં ગણેશ વિસર્જન વખતે DJ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈમાં રહેતાં અને નૉઇઝ પૉલ્યુશન બાબતે સજાગ રહીને ‘આવાઝ ફાઉન્ડેશન’ સ્થાપી એને માટે લડત ચલાવતાં સુમૈરા અબ્દુલ અલીએ પુણે માટેના આ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશનું મુંબઈમાં પણ પાલન કરાવવું જોઈએ એવી વિનંતી રાજ્ય સરકાર સહિત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણી, મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને કરી છે.
ગ્રીન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડને નિર્દેશ આપતાં કહ્યું છે કે ‘દરેક ગણેશમંડપની આસપાસ ત્રણ નૉઇઝ મૉનિટરિંગ સિસ્ટમ બેસાડો. એટલું જ નહીં, ત્યાં થતો અવાજ નોંધીને એ સતત ડિસ્પ્લે થતો રહે અને લોકો એને સતત જોઈ શકે એવી એ મંડપમાં ગોઠવણ કરો અને એમાં નૉઇઝ-લેવલ લિમિટ ક્રૉસ કરે તો ‘અવાજ પર્મિસિબલ લિમિટ કરતાં વધુ થાય તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ એવી વૉર્નિંગ પણ ડિસ્પ્લે કરો.’
ADVERTISEMENT
આ બધાનો ખર્ચ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કરવાનો રહેશે અને ઉપરના નિર્દેશોનું સખતાઈથી પાલન કરવામાં આવે એવું પણ ટ્રિબ્યુનલે જણાવ્યું છે. સુમૈરા અબ્દુલ અલીએ આ બાબતે કહ્યું કે ‘ગ્રીન ટ્રિબ્યુનલના આ પગલાને લીધે ગણેશોત્સવની ઉજવણી લોકો વધુ શિસ્તબદ્ધ રીતે અને હેલ્થ-કૉન્શિયસ રહીને કરશે જેમાં પરંપરા સાથે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય બદલ આધુનિક અભિગમ અપનાવાશે. વળી ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું છે કે તેમણે આપેલા નિર્દેશનું કડક પાલન કરવામાં આવે. જેમાં રેસિડેન્શિયલ ઝોનમાં નિર્ધારિત લિમિટ (સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મુંબઈમાં દિવસ દરમ્યાન પંચાવન ડેસિબલ અને રાતના સમયે ૪૫ ડેસિબલ સુધીના નૉઇસ-લેવલની છૂટ છે) કરતાં વધુ અવાજ અલાઉડ નથી. સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં અવાજને માપીને એના ડેસિબલ દેખાડવા પડશે અને એ જો વધી જાય તો વૉર્નિંગ પણ આપવાની રહેશે. ગયા વર્ષે ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં સૌથી વધુ ૧૧૪.૭ ડેસિબલ અવાજ નોંધાયો હતો, જ્યારે ઈદે મિલાદ વખતે ૧૦૮ ડેસિબલ અવાજ નોંધાયો હતો.’