મુખ્ય પ્રધાને છ લૅબ પર કાર્યવાહીનો આદેશ આપ્યો ત્યારે નવી મુંબઈના ડૉક્ટરની સહીનો મામલો સામે આવતાં મહાનગરપાલિકાએ શરૂ કરી તપાસ
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભા સત્રમાં વસઈ-વિરારમાં આવેલી ૬ ગેરકાયદે પૅથોલૉજી લૅબનો મુદ્દો ઉપસ્થિત થયા બાદ સંબંધિત ડૉક્ટર પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. હજી તો આ નિર્દેશ અપાયો છે ત્યારે વિરારની એક ખાનગી લૅબમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નવી મુંબઈના ડૉક્ટરની સહીથી દરદીઓને મેડિકલ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે. એથી મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ લૅબ સહિત અન્ય તમામ પૅથોલૉજી લૅબનું ઇન્સ્પેક્શન શરૂ કર્યું છે.
વસઈ-વિરારમાં છ ખાનગી પૅથોલૉજીમાં લૅબ ગુજરાતના ડૉક્ટરની સહીનો ઉપયોગ કરીને મેડિકલ તપાસનો રિપોર્ટ આપવામાં આવતો હતો. જોકે લૅબચાલક અને સંબંધિત ડૉક્ટર રાજેશ સોની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નહોતો. વિધાનસભામાં આ પ્રશ્ન આવ્યા બાદ મુખ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા હતા. દરમ્યાન જ આવો વધુ એક પ્રકાર સામે આવ્યો છે, જ્યાં વિરારની એક ખાનગી લૅબમાં નવી મુંબઈના ડૉક્ટરની સહીથી રિપોર્ટ સબમિટ કરવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ ડૉક્ટરનું લાઇસન્સ પણ થોડાં વર્ષો પહેલાં રદ્ કરવામાં આવ્યું હતું. નવી મુંબઈના ડૉક્ટર દરરોજ બ્લડ સૅમ્પલ તપાસવા માટે વિરાર કેવી રીતે આવી શકે એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એથી આ પ્રકાર પણ બોગસ હોવાથી સામાન્ય દરદીઓના આરોગ્ય સાથે રમત રમવાનો પ્રયાસ થતો હોવાની લોકોએ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
આ વિશે વસઈ-વિરાર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (આરોગ્ય) વિનોદ ડવલેએ માહિતી આપી હતી કે ‘આ મામલે સંબંધિત લૅબને તપાસ કરવાનો નિર્દેશ અમે આરોગ્ય વિભાગને આપ્યો છે. તેમના નિરીક્ષણ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જ તમામ લૅબનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્ર પૅરામેડિકલ પરિષદે ઑગસ્ટ મહિનામાં પોલીસ મહાસંચાલકને નિવેદન આપ્યું હતું કે આવી લૅબની તપાસ કરીને કેસ દાખલ કરવા જોઈએ. મહારાષ્ટ્ર પૅરામેડિકલ પરિષદમાં ૫૪૩૩ લૅબ ટેક્નિશ્યન નોંધાયેલા છે. જોકે મેડિકલ શિક્ષણપ્રધાન હસન મુશ્રીફે વિધાનસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી છે કે બિન-રજિસ્ટર્ડ લૅબોરેટરી ઑપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાતા રજિસ્ટર્ડ ટેક્નિશ્યનના નામ વિશે શાસન અથવા અન્ય રાજ્ય પૅરામેડિકલ કાઉન્સિલને લેખિત ફરિયાદ મળી નથી.