દાવોસની વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં રાજ્ય સરકાર સાથે MoU પર સાઇન કરી : મહારાષ્ટ્રે બીજા દિવસે વધુ ૩૩ MoU અંતર્ગત ૧૦,૭૦,૬૭૯ કરોડ સહિત બે દિવસમાં કુલ ૧૫,૭૦,૦૦૦ રૂપિયાનું રોકાણ મેળવ્યું
દેવેન્દ્ર ફડણવીસ સાથે વિડિયો-કૉલ પર અનંત અંબાણી.
સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં મંગળવારના પહેલા દિવસે ૨૦ કંપનીઓએ મહારાષ્ટ્રમાં ૪,૯૯,૩૨૧ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર સહી કર્યા બાદ ગઈ કાલે બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી વધુ ૩,૦૫,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જાહેરાત કરી હતી. અનંત અંબાણીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતે વાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રમાં પેટ્રોકેમિકલ્સ, પૉલિએસ્ટર, રિન્યુએબલ એનર્જી, બાયો એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન કેમિકલ્સ, ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલપમેન્ટ, રીટેલ, ડેટા સેન્ટર્સ ઍન્ડ ટેલિકમ્યુનિકેશન, હૉસ્પિટૅલિટી ઍન્ડ રિયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રમાં રોકાણ કરીને ૩,૦૦,૦૦૦ લોકોને રોજગાર પૂરો પાડશે. બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત ૩૨ કંપનીઓએ MoU કર્યાં હતાં. આથી બે દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના MoU પર સહી કરવામાં આવી હતી. બન્ને દિવસના આ રોકાણથી રાજ્યમાં ૧૫,૯૫,૦૦૦ લોકોને રોજગાર મળવાની શક્યતાઓ નિર્માણ થઈ છે.
બીજા દિવસે સીએટ, તાતા ગ્રુપ, બ્લૅક સ્ટોન, L&T, હીરાનંદાની ગ્રુપ, ઍમેઝૉન વગેરે કંપનીઓએ વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવા કરાર કર્યા હતા. બે દિવસમાં ઉદ્યોગ વિભાગે ૧૧.૭૧ લાખ કરોડ, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ ૩.૪૪ લાખ કરોડ અને સિડકોએ ૫૫,૨૦૦ કરોડ રૂપિયાના કરાર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.