તમે વિરોધ પક્ષના નેતાનું પદ આપશો કે નહીં એવા સવાલના જવાબમાં સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું...
રાહુલ નાર્વેકર
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બની શકે એટલું સંખ્યાબળ મહા વિકાસ આઘાડીની ત્રણમાંની એકેય પાર્ટી પાસે ન હોવાથી વિરોધ પક્ષના નેતા આ વખતે વિધાનસભામાં જોવા મળશે કે નહીં એને લઈને સ્પીકર રાહુલ નાર્વેકરને પત્રકારો સતત આ સવાલ કરતા રહે છે, કારણ કે એનો સંપૂર્ણ અધિકાર સ્પીકર પાસે છે.
જોકે અત્યાર સુધી કાયદા મુજબ નિર્ણય લેવામાં આવશે એવું કહેનારા રાહુલ નાર્વેકરે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે ‘આ બાબતની મારી પાસે હજી સુધી કોઈ અરજી નથી આવી. પહેલાં અરજી આવવા દો, પછી એના પર નિર્ણય લેવામાં આવશે.’
ADVERTISEMENT
આ સંદર્ભમાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘આ બાબતે મહા વિકાસ આઘાડીના ત્રણેય નેતાઓ મળીને નિર્ણય લઈશું. જોકે સૂત્રોએ કહ્યું હતું કે અત્યારે કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેના વચ્ચે આ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ઉદ્ધવસેનાનું કહેવું છે કે વિરોધ પક્ષના નેતાનું પદ તેમની પાર્ટીને જ મળવું જોઈએ, જ્યારે કૉન્ગ્રેસનો દાવો એવો છે કે ત્રણેય પાર્ટીમાં સૌથી વધારે બેઠક તેમને મળી છે અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતાનું પદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પાસે હોવાથી વિધાનસભામાં આ પદ અમને જ મળવું જોઈએ.’
કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેના ભલે આ પદને લઈને ખેંચતાણ કરી રહ્યાં હોય, પણ આખરી નિર્ણય તો કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરનો જ રહેવાનો છે કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ કોઈ પાર્ટીને આપવું કે નહીં.