કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સ્થળની મુલાકાત લઈને સરકાર પર નિશાન તાક્યું: MMRDA કહે છે કે આ મામૂલી મુદ્દો છે, ૨૪ કલાકમાં સૉલ્વ થઈ જશે
કૉન્ગ્રેસના નેતા નાના પટોલેએ મુંબઈમાં અટલ સેતુના અપ્રોચ રોડનું નિરીક્ષણ કર્યું હતું.
ભારતનો સૌથી લાંબો સી-બ્રિજ અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) ઉદ્ઘાટનના ચાર મહિનામાં જ તિરાડોને કારણે વિવાદમાં મુકાઈ ગયો છે. ઉલવે નજીક નવી મુંબઈના છેડે અટલ સેતુના અપ્રોચ રોડમાં ક્રૅક જોવા મળતાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સ્થળની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. જોકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કહેવા મુજબ આ ક્રૅક નાની છે અને ટ્રાફિક બાધિત કર્યા વગર એક જ દિવસમાં આ સમસ્યા ઉકેલવામાં આવશે.