લાલ કિલ્લા નજીક વિસ્ફોટના સ્થળેથી મળી આવેલી ડૉ. ઉમર મોહમ્મદની કારની ડ્રાઇવર-સીટ નીચે એક શૂઝ મળી આવ્યું હતું
ડૉ. ઉમર મોહમ્મદ
લાલ કિલ્લા નજીક વિસ્ફોટના સ્થળેથી મળી આવેલી ડૉ. ઉમર મોહમ્મદની કારની ડ્રાઇવર-સીટ નીચે એક શૂઝ મળી આવ્યું હતું અને પોલીસ-તપાસમાં વિસ્ફોટમાં ધાતુ જેવો વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. એ સંદર્ભે સુરક્ષા-એજન્સીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુરક્ષા-એજન્સીઓનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઉમર મોહમ્મદ ‘શૂ બૉમ્બર’ હોઈ શકે છે. તપાસમાં આ દિશામાં નિર્દેશ કરતા અનેક પુરાવા મળી આવ્યા છે.
તપાસ-ટીમને ટાયર અને જૂતા બન્નેમાં ટ્રાયએસિટોન ટ્રાયપેરોક્સાઇડ (TATP)નાં નિશાન મળ્યાં હતાં. TATP ખતરનાક વિસ્ફોટક છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં થયો હતો અને એને ‘શેતાનની માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂત્રોનો દાવો છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ મોટા હુમલા માટે મોટી માત્રામાં TATP એકઠા કરી રહ્યા હતા જેની હવે પુષ્ટિ થઈ છે.
ADVERTISEMENT
ફૉરેન્સિક રિપોર્ટ્સ અનુસાર લાલ કિલ્લાના વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ સાથે TATP વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે રસાયણોનું મિશ્રણ વિસ્ફોટકની શક્તિને અનેક ગણી વધારી દે છે.
તપાસ-એજન્સીઓને કારની પાછળની સીટ નીચે વિસ્ફોટક સામગ્રીનાં નિશાન પણ મળ્યાં હતાં. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિસ્ફોટકો ફક્ત એક જ જગ્યાએ નહીં, પરંતુ કારના અનેક ભાગોમાં છુપાવાયેલા હતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉમર મોહમ્મદે ડિસેમ્બર ૨૦૦૧માં અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટમાં જોવા મળેલી સમાન પૅટર્નનું પાલન કર્યું હતું. એ સમયે રિચર્ડ રીડ નામના શૂ બૉમ્બરે TATP ભરેલાં જૂતાંનો ઉપયોગ કરીને બૉમ્બવિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયસર પકડાઈ ગયો હતો. ઉમર મોહમ્મદે પણ આવું જ કર્યું હતું.
શૂ-બૉમ્બ શું હોય છે?
આ એક પ્રકારનું વિસ્ફોટક ઉપકરણ છે જે જૂતાંની અંદર છુપાવામાં આવે છે. બૉમ્બને સુરક્ષા-તપાસને ચકમો આપીને ભીડવાળી જગ્યાએ લઈ જવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. જૂતાના સોલની અંદરની ગાદીમાં વિસ્ફોટક સામગ્રી છુપાવીને એ બનાવવામાં આવે છે. જૂતામાં બૉમ્બ ટ્રિગર થાય એવી સિસ્ટમ પણ છુપાવી શકાય છે.


