આ પ્રોજેક્ટ આઠ વર્ષ સુધી છ તબક્કામાં હાથ ધરાશે અને ટાંકીની ઉપર આવેલા હૅન્ગિંગ ગાર્ડન્સને કામ શરૂ કરવા માટે પદ્ધતિસર ઉખાડવામાં આવશે
મલબાર હિલ રિઝર્વોયર નજીક આવેલા હૅન્ગિંગ ગાર્ડન્સની સ્થાપના ૧૮૮૧માં થઈ હતી
મલબાર હિલમાં ૧૩૫ વર્ષ જૂના રિઝર્વોયર (જળાશય) પરનું ઑગ્મેન્ટેશનનું કામ શરૂ થઈ ગયું છે.
આ પ્રોજેક્ટ આઠ વર્ષ સુધી છ તબક્કામાં હાથ ધરાશે અને ટાંકીની ઉપર આવેલા હૅન્ગિંગ ગાર્ડન્સને કામ શરૂ કરવા માટે પદ્ધતિસર ઉખાડવામાં આવશે. ગાર્ડન કોઈ પણ સમયે સંપૂર્ણપણે બંધ નહીં કરાય એમ સુધરાઈના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ADVERTISEMENT
મલબાર હિલ રિઝર્વોયર ‘એ’ (કોલાબા, ફોર્ટ અને નરીમાન પૉઇન્ટ), ‘સી’ (ગિરગામ) અને ‘ડી’ (મલબાર હિલ અને તાડદેવ) વૉર્ડ્સને પાણી પૂરું પાડે છે. ૨૦૧૭ના સ્ટ્રક્ચરલ ઑડિટ પ્રમાણે આ રિઝર્વોયરનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટાંકીની સંગ્રહક્ષમતા વધારવા માટે વર્કઑર્ડર ઇશ્યુ કર્યો છે. ટાંકી ૧-એ, ૧-બી, ૨-એ, ૨-બી અને ૧-સી એમ પાંચ કમ્પાર્ટમેન્ટ્સ ધરાવે છે.
સુધરાઈના વૉટર સપ્લાય પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર વસંત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘યોજના અનુસાર પહેલાં નવું રિઝર્વોયર બાંધવામાં આવશે અને પછી જૂના રિઝર્વોયરનું પુનઃનિર્માણ શરૂ કરાશે. જૂના રિઝર્વોયરની પશ્ચિમ તરફ નવી ટાંકી બનાવવામાં આવશે.’
દરમ્યાન પાણીનો પુરવઠો ન ખોરવાય એ માટે ૧૪ મિલ્યન લિટરની સંગ્રહક્ષમતા સાથેની લોખંડની કામચલાઉ ટાંકી તૈયાર કરવામાં આવશે. જળાશયની કુલ જળસંગ્રહક્ષમતા ૧૪૭.૭૮ મિલ્યન લિટર છે. પુનઃનિર્માણ અને બે કમ્પાર્ટમેન્ટ્સ ઉમેર્યા પછી સંગ્રહક્ષમતા વધીને ૧૯૧ મિલ્યન લિટર થઈ જશે.
વસંત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘હૅન્ગિંગ ગાર્ડન્સને એકસામટાં ઉખાડી નહીં દેવાય. કામ પૂરું થઈ ગયા પછી હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ ગાર્ડનને પુનઃસ્થાપિત કરશે.’
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ કરવેરા અને સરચાર્જ સહિત ૬૯૮.૫૦ કરોડ રૂપિયા છે.