બીએમસી હમણાં ગયા વર્ષે ભૂસ્ખલનમાં તૂટી ગયેલી પાણીની પાઇપલાઇનોનું સમારકામ કરી રહ્યું છે ત્યારે બી. જી. ખેર માર્ગનું કામ ત્યાર પછી જ હાથ ધરાશે
મલબાર હિલનો બી.જી. ખેર માર્ગ ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે. આશિષ રાજે
ગયા વર્ષે મલબાર હિલમાં ભારે ભૂસ્ખલન થવાને કારણે ભારે નુકસાન પામેલા બી. જી. ખેર માર્ગ (અગાઉ રિજ રોડ) પર વાહનોની અવરજવર હજી પણ બંધ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા વર્ષના ચોમાસા પછી જ આ માર્ગનું કામ શરૂ થશે. બીએમસીના રોડ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ ભૂગર્ભમાં પાઇપલાઇનો નાખવામાં આવી રહી છે. એ કામ પૂરું થઈ ગયા બાદ જ માર્ગનું પુનર્નિર્માણ શરૂ થશે.
આ માર્ગ મલબાર હિલ વિસ્તારને હ્યુજીસ રોડ, નેપિયન સી રોડ અને પેડર રોડનાં મહત્ત્વનાં જંક્શન્સ સાથે જોડે છે. ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટના રોજ ભૂસ્ખલન થવાને કારણે એ બંધ કરી દેવાયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએમસી અધિકારીઓ કામ શરૂ કરતાં પહેલાં ભારે વરસાદની અસર તપાસવા માટે આ વર્ષના ચોમાસા સુધી રાહ જોવા ઇચ્છતા હતા. ભૂસ્ખલનને કારણે આસપાસના વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇન્સને પણ નુકસાન થયું હતું. મલબાર હિલમાં પાણીનો પુરવઠો પહોંચાડવા માટે કામચલાઉ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, પણ રિજ રોડનું બાંધકામ શરૂ થાય એ પહેલાં બીએમસીએ પાઇપલાઇનોનું કાયમી ધોરણે સમારકામ કરવું જરૂરી છે.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘રોડ માટે કૉન્ટ્રૅક્ટરની નિયુક્તિ કરવાનાં ટેન્ડર્સ લગભગ તૈયાર છે, પણ હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગ એનું કામ પૂરું કરે એ પછી જ અમે કામ હાથ પર લઈશું. તેઓ આગામી ૩-૪ મહિનામાં કામ પૂરું કરે એવી શક્યતા છે.’