ખાતાધારકોનો બૅન્કો પરથી ઊઠવા લાગ્યો છે વિશ્વાસ, તેમનું કહેવું છે કે જો પૈસા બૅન્કમાં પણ સેફ ન હોય તો પછી એ રાખવા ક્યાં?
બેંકની બહાર લોકોની ભીડ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં થયેલા આર્થિક ગોટાળાને લીધે રિઝર્વ બૅન્કે એના કારભાર પર છ મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો હોવાથી લાખો ખાતેદારોની હાલત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારની જેમ ગઈ કાલે પણ મોટી સંખ્યામાં ખાતેદારો પોતપોતાની બ્રાન્ચમાં હવે શું થશે એની માહિતી મેળવવા પહોંચી ગયા હતા. જોકે તેમને માત્ર અને માત્ર લૉકર ઑપરેટ કરવા મળશે એટલી જ માહિતી આપવામાં આાવતી હતી. આ સિવાય બૅન્ક તરફથી કંઈ કહેવામાં નહોતું આવતું. આને લીધે અંધેરીમાં અમુક અકાઉન્ટ-હોલ્ડર એવું કહી રહ્યા હતા કે જો બૅન્કમાં પણ પૈસા સેફ ન હોય તો પછી એ રાખવા ક્યાં?
આર્થિક સંકળામણ અને ગવર્નન્સના ઇશ્યુને લીધે રિઝર્વ બૅન્કે લીધેલા નિર્ણયને લીધે ઘણા ખાતાધારકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈ કાલે પણ ‘મિડ-ડે’એ અમુક અકાઉન્ટ-હોલ્ડરો સાથે વાત કરી હતી, તેમનું કહેવું હતું કે આ સમસ્યાનો જલદી નિવેડો આવે તો સારું.
ADVERTISEMENT
ઘરના બધાનું અકાઉન્ટ આ બૅન્કમાં હોવાથી અમે હૅન્ડિકૅપ્ડ થઈ ગયા હોઈએ એવું લાગે છેઃ નિરલ દેઢિયા, અંધેરી
અંધેરીના નિરલ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા સહિત બધાનું અકાઉન્ટ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં છે. અમારું લૉકર પણ અહીં જ છે. જોકે એમાંથી સામાન તો કાઢી લીધો, પણ સેવિંગ અકાઉન્ટમાં સારું એવું બૅલૅન્સ છે જે હવે અમુક ટાઇમ માટે બ્લૉક થઈ જવાથી અમે હૅન્ડિકૅપ્ડ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે બધાં ટ્રાન્ઝૅક્શન અમે ન્યુ ઇન્ડિયા બૅન્કના અકાઉન્ટમાંથી કરતાં હતાં. આ સિવાય દુકાનનું કરન્ટ અકાઉન્ટ પણ એમાં જ ચાલતું હતું. કદી વિચાર્યું નહોતું કે બૅન્ક અચાનક બંધ થઈ જશે. નવેમ્બર મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટ પાકી ગઈ હોવાથી સારું થયું, નહીં તો એ પણ બ્લૉક થઈ જાત.’
સોસાયટીનું અકાઉન્ટ હોવાથી અમારી સોસાયટીના બધા પૈસા બ્લૉક થઈ ગયાઃ સંકેશ પ્રજાપતિ, અંધેરીની પટેલ પૅલેસ સોસાયટીના સેક્રેટરી
અંધેરીમાં આવેલી પટેલ પૅલેસ સોસાયટીના સેક્રેટરી સંકેશ પ્રજાપતિએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીનું સેવિંગ અકાઉન્ટ ન્યુ ઇન્ડિયા બૅન્કમાં છે, આ વર્ષો જૂની બૅન્ક છે, એની સર્વિસ પણ સારી હોવાથી ટ્રસ્ટ હતો આ બૅન્ક પર. બૅન્કમાં બે લાખ રૂપિયાની સોસાયટીની ફિક્સ્ડ ડિપોઝિટ છે અને પાંચ લાખ રૂપિયા અકાઉન્ટમાં છે. અચાનક બૅન્ક પર પ્રતિબંધ આવી જતાં સોસાયટીનો પ્રૉપર્ટી ટૅક્સ, લાઇટ-બિલ, સ્ટાફનો પગાર કેવી રીતે મૅનેજ કરીશું એ પ્રશ્ન છે. હવે સોસાયટીના મેમ્બર સાથે મીટિંગ કરીને અમે યોગ્ય નિર્ણય લઈશું. છ મહિના સુધી તો કંઈ થઈ શકશે નહીં, એ પછી પણ કેટલો સમય લાગશે એ કહી શકાય નહીં, બૅન્ક થોડા રૂપિયા વિધડ્રૉઅલ કરવા દે તો સારું થશે. હવે બૅન્કો પરથી ટ્રસ્ટ ઊઠવા લાગ્યો છે, પબ્લિક સેક્ટરની બૅન્ક પર જ ટ્રસ્ટ કરવો જોઈએ એવું લાગી રહ્યું છે.’
હવે મને લાડલી બહિણના પૈસા કેવી રીતે આવશે?ઃ કવિતા કેન્યા, મલાડ
મલાડનાં કવિતા કેનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ૨૦૧૮માં ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું, મારા અકાઉન્ટમાં દસ હજાર રૂપિયા છે અને વીસ હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પણ છે. આ સિવાય મેં આ બૅન્કમાંથી લોન લીધી હતી એના હપ્તાના ત્રણ ચેક પણ મેં આપી દીધા છે. બાળકોની સ્કૂલની ફી ભરવી, લાડકી બહિણના રૂપિયા પણ આ જ અકાઉન્ટમાં આવતા હતા, મારાં મોટા ભાગનાં ટ્રાન્ઝૅક્શન આ જ બૅન્કમાંથી થતાં હતાં. આમ અચાનક બૅન્ક બંધ થઈ જવાને કારણે મધ્યમ વર્ગના લોકોની તકલીફ વધી ગઈ છે. થોડા-થોડા રૂપિયા પણ કાઢવા દેવા જોઈએ.’
એક લાખની ફિક્સ્ડ ડિપોઝિટ બ્લૉક થઈ ગઈઃ અરવિંદ ગોટેચા, કાંદિવલી
કાંદિવલીના અરવિંદ ગોટેચાએ આ બાબતે ‘મિડ-ડેને’ કહ્યું હતું કે એક લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ બૅન્કમાં છે. જોકે બૅન્ક તકલીફમાં છે એની મને ખબર પડતાં જ હું શુક્રવારે સવારે લૉકરમાં મૂકેલી વસ્તુઓ કાઢી લાવ્યો હતો, પરંતુ જે ફિક્સ્ડ ડિપોઝિટના પૈસા છે એ ક્યારે મળશે એની કંઈ જાણ નથી. જ્યાં સુધી રિઝર્વ બૅન્કની કોઈ ગાઇડલાઇન નહીં આવે ત્યાં સુધી તો બૅન્કવાળા પણ કોઈ જવાબ આપશે નહીં.

